ખેલ-જગત
News of Friday, 20th September 2019

૨૪મી આઇટીટીએફ એશિયન ટેબલટેનિસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં શરથ-સાથિયાની જોડી

નવી દિલ્હી: શરથ કમલ તથા જી. સાથિયાની ભારતીય મેન્સ ડબલ્સની જોડી ગુરુવારે ઇન્ડોનેશિયાના યોગ્યકાર્તા ખાતે મહફૂદ સૈયદ મુર્તધા તથા રાશિદ રાશિદની બહેરિનની જોડી સામે આસાન વિજય હાંસલ કરીને ૨૪મી આઇટીટીએફ એશિયન ટેબલટેનિસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સાથિયાન તથા શરથની જોડીએ એકતરફી મુકાબલામાં મુર્તધા તથા રાશિદને ૧૧-૮, ૧૧-૬, ૧૧-૩થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી લિયાંગ જિંગકુન તથા લિન ગાઓયુઆનની ચાઇનીઝ જોડી સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં બાય હાંસલ કરનાર સાથિયાન તથા શરથની જોડી રાઉન્ડ ઓફ ૩૨માં અબો યમન જૈદ તથા અલ્દમેજી જૈયાદની જોર્ડનની જોડીને ૧૧-૪, ૧૧-૭, ૧૧-૭થી હરાવી હતી. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર ગુજરાતના હરમીત દેસાઈ તથા એન્થોની અમલરાજની જોડીને જોકે, રાઉન્ડ ઓફ ૩૨ના મુકાબલામાં લ્યૂ સિંગ સિન તથા પેંગ વેંગ વેઇની ચાઇનીઝ તાઇપેઇની જોડી સામે ૧૧-૫, ૭-૧૧, ૧૧-૩, ૮-૧૧, ૬-૧૧થી પરાજય મળ્યો હતો. વિમેન્સ ડબલ્સમાં મનિકા બત્રા તથા અર્ચના કામથ, મધુરિકા પાટકર તથા સુતીર્થા મુખરજીની જોડીઓને પણ પરાજયનો સામનો કરવો પડયો હતો. પ્રથમ મેચમાં આસાન વિજય હાંસલ કરનાર મનિકા તથા અર્ચનાની જોડી બીજા રાઉન્ડમાં યાંગ હ્યુન તથા જિયોન ઝીની કોરિયન જોડી સામે ૬-૧૧, ૯-૧૧, ૭-૧૧ના સ્કોરથી હારી ગઈ હતી. મધુરિકા તથા સુતીર્થાની જોડી બીજા રાઉન્ડના મુકાબલામાં ડૂ હોઇ કેમ તથા લી હો ચિંગની હોંગકોંગની જોડી સામે ૯-૧૧, ૫-૧૧, ૧૧-૧૩થી પરાસ્ત થઈ હતી.

(5:46 pm IST)