ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

શ્રીસંત પરની સજા ઘટાડી ૭ વર્ષ કરી દેવાઈ : રિપોર્ટ

આજીવન પ્રતિબંધને આખરે દૂર કરવાનો ફેંસલો : શ્રીસંત વર્ષ ૨૦૨૦માં સજા ખતમ થયા બાદ રમી શકશે

નવી દિલ્હી, તા. ૨૦ : થોડાક સમય પહેલા સ્પોટ ફિક્સિંગ મામલામાં ચર્ચામાં રહેલા ઝડપી બોલર શ્રીસંતને આજે મોટી રાહત મળી હતી. કારણ કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે શ્રીસંત ઉપર મુકવામાં આવેલા આજીવન પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે તેના પર મુકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને સજા ઓછી કરી દીધી છે. બીસીસીઆઈએ આજે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ પ્રતિબંધ ૨૦૧૩થી અમલી બનીને ૨૦૨૦ બાદ ખતમ થઇ જશે. એટલે કે ત્યારબાદ શ્રીસંત ફરી ક્રિકેટ રમી શકશે. સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંત ઉપરાંત અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ પણ પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. શ્રીસંત પર મુકવામાં આવેલો પ્રતિબંધ આગામી વર્ષે ઓગસ્ટ મહિનામાં ખતમ થઇ જશે.

      કારણ કે છેલ્લા વર્ષથી ચાલી રહેલા પ્રતિબંધના કારણે પોતાના સર્વશ્રેષ્ઠ તબક્કાને પહેલાથી જ ગુમાવી ચુક્યો છે. ૨૦૧૩ ઓગસ્ટમાં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં રાજસ્થાન રોયલ્સના અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ વર્ષે ૧૫મી માર્ચના દિવસે ચુકાદો બદલી દીધો હતો. હવે ૭મી ઓગસ્ટના ચુકાદામાં જૈને કહ્યું હતું કે, આ પ્રતિબંધ સાત વર્ષનો રહેશે અને આગામી વર્ષે ક્રિકેટ રમી શકશે. શ્રીસંત હવે ૩૫ વર્ષની વયને પાર કરી ચુક્યો છે.

     તેમનો શ્રેષ્ઠ તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીસંત ઉપર પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ તે ક્રિકેટની ગતિવિધિ સાથે જોડાઈ શકશે. આજીવન પ્રતિબંધ મુકાયા બાદ શ્રીસંત કોઇપણ પ્રકારના ક્રિકેટ અથવા બીસીસીઆઈ સાથે જોડાઈ શકવાની સ્થિતિમાં ન હતો. શ્રીસંત ઉપર મુકવામાં આવેલો પ્રતિબંધ ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સાત વર્ષ કરવાની બાબત યોગ્ય રહેશે. બીસીસીઆઈએ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે કોર્ટમાં કહ્યું હતું કે, શ્રીસંત ઉપર મુકવામાં આવેલા આજીવન પ્રતિબંધ યોગ્ય છે. કારણ કે, મેચના પરિણામને પ્રભાવિત કરવાના પ્રયાસ થયા હતા. શ્રીસંતના વકીલે કહ્યું હતું કે, આઈપીએલ મેચ દરમિયાન કોઇ સ્પોટ ફિક્સિંગ થયા ન હતા. શ્રીસંત ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને લઇને કોઇ પુરાવા મળ્યા ન હતા.

(7:52 pm IST)