ખેલ-જગત
News of Monday, 20th May 2019

પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની પુત્રીનું કેન્સરની બીમારીથી મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની પુત્રીનું મોત થયું છે. ઘટનાને પગલે આસિફ ઈંગ્લેન્ડનો પ્રવાસ છોડીને પાકિસ્તાન પાછા ફરશે. આસિફ અલી કેન્સરથી પીડિત પોતાની પુત્રીની સારવાર અમેરિકામાં કરાવી રહ્યો હતો.ઈસ્લામાબાદ યૂનાઇટેડે રવિવારે મોડી સાંજે ટ્વિટ કરી સંવેદનાઓ વ્યક્ત કરતા લખ્યું કે, આસિફ તાકાત અને સાહસનું એક મોટું ઉદાહરણ છે. તે અમારા માટે પ્રેરણા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસિફ અલી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઈસ્લામાબાદ યૂનાઇટેડ તરફથી રમે છે. 27 વર્ષના આસિફ અલીએ રવિવારે હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની પાંચમી અને છેલ્લી વનડેમાં પાકિસ્તાનની 54 રનોથી કારમી હાર થઇ હતી. મેચમાં આસિફ અલીએ મહત્વપૂર્ણ 22 રન બનાવ્યા હતા. હારની સાથે પાકિસ્તાને ઈંગ્લેન્ડના હાથે વનડે સીરિઝ 0-4થી ગુમાવી દીધી છે. આસિફ અલીને 30 મેથી શરૂ થતા વર્લ્ડકપમાં પાકિસ્તાનની પ્રારંભિક ટીમામાં સ્થાન આપવામાં આવ્યું નથી. મધ્યમક્રમના બેટ્સમેન આસિફે અત્યાર સુધી 16 વનડે મેચોમાં 31.09ની સરેરાશથી 342 રન બનાવ્યા હતા. આસિફ અલીને પીએસએલના ચોથા સ્ટેજ દરમિયાન પોતાની પુત્રીની બિમારી વિશે જાણ થઇ હતી, ત્યારે તેઓ પૂર્વ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન અને ઈસ્લામાબાદ યૂનાઇટેડના કોચ ડીન જોન્સની સામે રોઇ પડ્યો હતો. ઈંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરોની સીરિઝ માટે રવાના થયા પહેલા આસિફે 22 એપ્રિલે ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, તે પોતાની પુત્રીની સારવાર માટે સંયુક્ત રાજ્ય અમેરિકા મોકલી રહ્યા છે.

(6:47 pm IST)