ખેલ-જગત
News of Wednesday, 20th March 2019

નવેમ્બર-2020 સુધી ભારતીય ટીમને કોચિંગ આપશે રવિ શાસ્ત્રી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ખાતે યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડકપ-૨૦૧૯માં ભારતનો દેખાવ કેવો રહેશે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે. પરંતુ વન-ડે વર્લ્ડકપ બાદ પણ ભારતીય ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રી જ યથાવત્ રહેશે તેવી પૂરી સંભાવના છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) દ્વારા રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૃણ, બેટિંગ કોચ સંજય બાંગર, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કોન્ટ્રાક્ટ નવેમ્બર-૨૦૨૦ સુધી વધારવા માટે વિચારણા કરી રહી છે. કોચ રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ જુલાઇ ૨૦૧૯માં પૂરો થઇ રહ્યો છે. ૧૧ જુલાઇ ૨૦૧૭ના રવિ શાસ્ત્રીની ભારતીય ટીમના કોચ તરીકે વરણી કરવામાં આવી હતી. કોચ અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવવો કે કેમ તેના માટે સીઓએ જુલાઇમાં તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા માગતી નથી. જેના કારણે રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ અત્યારથી આગામી નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવા માટે મન બનાવી લેવાયું છે. આમ, ઓસ્ટ્રેલિયા ખાતે નવેમ્બર ૨૦૨૦માં યોજાનારા આગામી ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ સુધી રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફ યથાવત્ જ રહેશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હી ખાતે રમાયેલી શ્રેણીની છેલ્લી વન-ડે દરમિયાન ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ અને કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ વચ્ચે આ મુદ્દે બેઠક પણ યોજાઇ હતી. ૨૦૧૫ના વન-ડે વર્લ્ડકપ બાદ તત્કાલીન કોચ ડંકન ફ્લેચરે વિદાય લીધી હતી. આ પછી ભારતને નવા કોચ માટે રાહ જોવી પડી હતી. રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ આગામી ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ માટે ટીમ તૈયાર કરી શકે તેવા હેતુથી રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવવવામાં આવી રહ્યો છે. સીઓએ એ પણ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના દેખાવથી સંતોષ વ્યક્ત કર્યો છે.

(5:08 pm IST)