ખેલ-જગત
News of Saturday, 20th February 2021

હોકી ટીમ કોરોના કાળ બાદ પ્રથમવાર યુરોપ પ્રવાસે જશે

કોરોના કાળમાં તમામ રમત પ્રભાવિત થઈ હતી : ઓલિમ્પિકની તૈયારીના ભાગ રૂપે ભારતીય હોકી ટીમ ચાલુ મહિનામાં જર્મની અને બેલ્જિયમનો પ્રવાસ ખેડશે

નવી દિલ્હી, તા.૨૦ : ભારતીય હોકી ટીમ કોરોના કાળ પછી સૌપ્રથમ વખત યુરોપ ટૂરથી પોતાના ઓલિમ્પિક તૈયારીનો પ્રારંભ કરશે. કોરોના મહામારીને પગલે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવતા તમામ રમત-ગમત પ્રભાવિત થઈ હતી. ઓલિમ્પિક અગાઉની તૈયારીઓના ભાગરૂપે ભારતનો યુરોપ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ચાલુ મહિને હોકી ઈન્ડિયા જર્મની અને બેલ્જિયમના પ્રવાસે રવાના થશે.

યુરોપ ટૂર પર જનાર હોકી ઈન્ડિયામાં ૨૨ ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફના લોકોનો પણ સમાવેશ થાય છે. રવિવારે તમામ લોકો બેંગ્લુરુથી જર્મનીના ક્રેફેલ્ડ માટે રવાના થશે જ્યાં ૨૮ ફેબ્રુઆરીથી માર્ચ સુધી યજમાન ટીમ સામે રમશે.

ત્યારબાદ ભારતીય હોકી ટીમ એન્ટવર્પ, બેલ્જિયમ જશે અને ગ્રેટ બ્રિટેનની ટીમ સામે માર્ચથી માર્ચ વચ્ચે ટકરાશે. ભારતીય હોકી ટીમનું નેતૃત્વ ગોલકીપર પી આર શ્રીજેશ કરશે તેમજ વાઈસ કેપ્ટન તરીકે હરમનપ્રીત સિંઘની પસંદગી કરવામાં આવી છે. હોકી ઈન્ડિયા ૧૭ દિવસના પ્રવાસ પર જશે.

છેલ્લે ગત ફેબ્રુઆરીમાં પુરૂષ હોકી ટીમ એફઆઈએચ હોકી પ્રો લીગમાં ભુવનેશ્વર ખાતે ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ હતી. ભારતીય હોકી ટીમના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેષ્ઠ દેખાવને પગલે તે એફઆઈએચ વર્લ્ડ ક્રમાંકમાં ચોથા ક્રમે રહી હતી જે ભારત માટે અત્યાર સુધીનો સૌથી ટોચનો ક્રમે છે.

હોકી ઈન્ડિયા જાન્યુઆરી મહિનાથી બેંગ્લુરુ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કેમ્પમાં તૈયારીઓ કરી રહી છે. બીજીતરફ ભારતીય મહિલા હોકી ટીમ ગત મહિને આર્જેન્ટિનાના પ્રવાસ સાથે મેદાનમાં પરત ફરી છે.

ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ ગ્રાહમ રીડે જણાવ્યું કે, અમે યુરોપ ટૂર પર જઈ રહ્યા છીએ તે સૌભાગ્ય છે અને વિતેલા એક વર્ષ પછી સ્પર્ધાત્મક રમત રમીશું. જર્મની તેમજ ગ્રેટ બ્રિટન જેવી ટીમો સામે રમવું એફઆઈએચ હોકી પ્રો લીગ તેમજ ઓલિમ્પિક રમતોત્સવની તૈયારી માટે મદદરૂપ સાબિત થશે.

(8:40 pm IST)