ખેલ-જગત
News of Wednesday, 20th February 2019

ઓમાનની ક્રિકેટ ટીમ નો શર્મજનક સ્કોર: સ્કોટલેન્ડ સામે માત્ર 24 રનમાં ઓલઆઉટ

નવી દિલ્હી: ઓમાનની ક્રિકેટ ટીમ સ્કોટલેન્ડ સામેની વન-ડે મેચમાં માત્ર ૨૪ રનમાં ઓલઆઉટ થઈ શરમજક રેકોર્ડ બનાવ્યો હતો. સ્કોટલેન્ડની ટીમે આ મેચમાં ૨૮૦ બોલ બાકી રહેતાં ૧૦ વિકેટે મુકાબલો જીતી લીધો હતો. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઓમાનની ટીમ ૧૭.૧ ઓવરમાં માત્ર ૨૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ખવાર અલીએ સર્વાધિક ૧૫ રન બનાવ્યા હતા. તે એક માત્ર ખેલાડી હતો જે ડબલ ફિગરે પહોંચી શક્યો હતો. ટીમના છ ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. સ્કોટલેન્ડ તરફથી એડ્રિયન નેલ અને સ્મિથે ૪-૪ વિકેટ ઝડપી હતી. ૨૫ રનના લક્ષ્યાંક સામે સ્કોટલેન્ડની ટીમે ૨૮૦ બોલ બાકી રહેતાં ૩.૨ ઓવરમાં ૨૬ રન બનાવી ૧૦ વિકેટે મુકાબલો જીતી લીધો હતો. લિસ્ટ એ ક્રિકેટમાં સર્વાધિક બોલ બાકી રહેતાં જીતનો રેકોર્ડ કોલ્ટ ક્રિકેટ ક્લબે ડિસેમ્બર ૨૦૧૨માં બનાવ્યો હતો, તે વખતે તેણે કોલંબોમાં સાર્કેન્સ એસસીને ૧૯ રનમાં ઓલઆઉટ કરી ૨૮૬ બોલ બાકી રહેતાં ૨.૨ ઓવરમાં ૨૦ રન બનાવી મેચ જીતી લીધી હતી. વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઓછા રને આઉટ થવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વે વર્ષ ૨૦૦૪માં હરારેમાં શ્રીલંકા સામે માત્ર ૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.લિસ્ટ એની વાત કરવામાં આવે તો આ ચોથો લોએસ્ટ સ્કોર છે. સૌથી ઓછા રને ઓલઆઉટ થવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે છે જે ૨૦૦૭માં બાર્બાડોસ સામે ૧૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લિસ્ટ એ ક્રિકેટમાં વન-ડે ઇન્ટરનેશનલ ઉપરાંત વિવિધ ઘરેલુ મુકાબલા પણ સામેલ હોય છે. જોકે આંતરરાષ્ટ્રીય મેચ પણ લિસ્ટ એની અંતર્ગત આવે છે જેમાં રમી રહેલી ટીમને વન-ડે ઇન્ટરનેશનલનો દરજ્જો પ્રાપ્ત નથી. લિસ્ટ એ અંતર્ગત ૪૦થી ૬૦ ઓવર સુધીની એક ઇનિંગ હોય છે. ઓમાને હજુ સુધી એકેય વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી નથી જ્યારે સ્કોટલેન્ડને વન-ડે ઇન્ટરનેશનલનો દરજ્જો મળી ચૂક્યો છે અને તે વર્તમાન વન-ડે રેન્કિંગમાં ૧૩મા સ્થાને છે.

 

(6:39 pm IST)