ખેલ-જગત
News of Saturday, 19th October 2019

ખેલ મહાકુંભઃ અન્ડર-૧૭ લોન ટેનીશમાં રાજયકક્ષાએ સીલ્વર મેડલ મેળવતી રાજકોટની પ્રિયાંસી ચૌહાણ

અમદાવાદ-વડોદરા-સુરતનું આજ સુધીનું મહેણુ ભાંગ્યું: જબરી પછડાટ આપી : એશીયન ટેનીશ રેન્કીંગમાં પણ છઠ્ઠો નંબર હાંસલ કર્યોઃ પિયુ અનેક મેડલો મેળવી ચૂકી છે

રાજકોટ તા. ૧૯: રાજકોટની પ્રિયાંશી ચૌહાણે વધુ એક વખત મેદાન માર્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે અન્ડર-૧૭ ખેલ મહાકુંભ લોન ટેનીશ સ્પર્ધા યોજાઇ હતી, રાજયભરમાંથી ૬૪ હરીફોએ ભાગ લીધો હતો.

જેમાં રાજકોટની સાગર સેકન્ડરી શાળામાં અભ્યાસ કરતી અધીકારી પિતાની પુત્રી પ્રિયાંશી ગજેન્દ્રસિંહ ચૌહાણે સિલ્વર મેડલ મેળવી ચાર ચાંદ લગાવી દીધા હતા.

અનેક નેશનલ અને નેપાળમાં ઇન્ટરનેશનલ તથા એશીયન ટેનીશ રમી ચૂકેલી પ્રીયાંશીએ પ્રિ કવાટર્સમાં ગુજરાતની ટોપ સીડ દિવ્યા ભારદ્વાજને ૬/૪ થી પરાજય આપી, કવાટર્સ ફાઇનલમાં માહી પંચાલને ૬/૦ થી સીકસ્ત આપી, સેમી ફાઇનલમાં અમદાવાદની ૪ હેતવી ચૌધરીને પછડાટ આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ફાઇનલમાં અમદાવાદની વિધી જાની સામે ભારે જહેમત બાદ પરાજયનો સામનો કરવો પડયો હતો, પણ રાજયભરમાંથી રાજકોટ સીલ્વર મેડલ અપાવી ચાર ચાંદ લગાવી દીધા હતા, પ્રિયાંશી અનેક મેડલ મેળવી ચૂકી છે, ચેમ્પીયન બની ચૂકી છે, આજ સુધી અન્ડર-૧૭ માં અમદાવાદ-સુરત-વડોદરાના ખેલાડીઓ લોન ટેનીશમાં મેદાન મારતા, તે તમામને પ્રિયાંસીએ પછડાટ આપી રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છનું ગૌરવ વધાર્યું છે.

આ ઉપરાંત અમદાવાદમાં એશીયન ટેનીશ રેન્કીંગ સીરીઝનો પ્રારંભ થયો હતો, તેમાં પણ પ્રીયાંશીએ ૩ર સ્પર્ધકોમાંથી ૬ નંબરનો રેન્ક લઇ વધુ એક યશકલગી પોતાના નામે અંકિત કરી છે.

પ્રીયાંશીને ઉપરોકત તમામ સિધ્ધિ બદલ તેમના કોચ કૂલદિપ જોષી તથા તેની રમતના સેંકડો ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:41 am IST)