ખેલ-જગત
News of Friday, 19th October 2018

ડેનમાર્ક ઓપનની ક્વાર્ટરફાઇનલમાં સાઈન નેહવાલ

નવી દિલ્હી: ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે શાનદાર દેખાવ કરતાં વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી જાપાનની યામાગુચીને સીધી ગેમ્સમાં ૨૧-૧૫, ૨૧-૧૭થી હરાવીને ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાયના નેહવાલે જાપાનીઝ હરિફ સામે છેલ્લા ચાર વર્ષમાં આ પહેલી વખત વિજય મેળવ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ૧૦મું સ્થાન ધરાવતી સાયનાએ મેજર અપસેટ સર્જતાં હવે અંતિમ આઠમાં સ્થાન મેળવી લીધુ છે. જ્યાં તેની ટક્કર જાપાનની વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ઓકુહારા સામે થશે. ૨૮ વર્ષીય ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે કારકિર્દીનો યાદગાર વિજય માત્ર ૩૬ જ મિનિટમાં મેળવ્યો હતો. ભારતને ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવનારી સાયનાએ તેની કારકિર્દીમાં યામાગુચી સામે આ બીજી જીત મેળવી હતી. જ્યારે યામાગુચી બંને વચ્ચેની આઠમાંની છ મેચો જીતી ચૂકી છે. સાયનાએ આ અગાઉ યામાગુચીને વર્ષ ૨૦૧૪ના ચાઈના ઓપનમાં હરાવી હતી. જે પછી તેનો આ બીજો વિજય હતો. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં સાયના નેહવાલની શરૃઆત સારી રહી નહતી અને યામાગુચીએ મેચમાં ૪-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ભારતીય બેડમિંટન સ્ટારે ત્યાર બાદ જબરજસ્ત કમબેક કરતાં સ્કોર ૧૦-૧૦ કર્યો હતો. સાયનાએ ત્યાર બાદ ૧૫-૧૦થી સરસાઈ મેળવી હતી અને તેને ૧૯-૧૨ સુધી વિસ્તારી હતી. આ પછી તેણે પ્રથમ ગેમ આસાનીથી જીતી લીધી હતી. બીજી ગેમમાં સાયના નેહવાલે ૭-૨થી સરસાઈ મેળવી લીધી હતી. જે પછી યામાગુચીએ વળતી લડત આપતાં સ્કોર ૧૧-૧૧ કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો ૧૭-૧૭ સુધીના સ્કોર સુધી પહોંચ્યો હતો. આ તબક્કે સાયનાએ તેની રમતમાં સુધારો કરતાં સતત ચાર પોઈન્ટ્સ જીતીને ગેમની સાથે મેચ પણ પોતાના નામે કરી લીધી હતી.

(6:01 pm IST)