ખેલ-જગત
News of Monday, 19th August 2019

ભવિષ્યમાં નેક ગાર્ડ ફરજિયાત કરવામાં આવે તો નવાઈ નહીં

સ્મિથને થયેલી ઈજાથી કોચ લેન્ગર ચિંતિત

લંડનઃ ક્રિકેટ જગતના ઐતિહાસિક ગ્રાઉન્ડ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને થયેલી ઈજાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પ્લેયરોની સાવચેતી બાબતે લોકોનું ધ્યાન આકષ્યું છે. આ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરે ફેંકેલા એક બાઉન્સરને કારણે ૮૦ રનના વ્યકિતગત સ્કોર પર રમી રહેલો સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત થયો હતો.

સ્મિથને થયેલી ઈજા વિશે વાત કરતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું છે કે 'તમારા પ્લેયરને આવી રીતે ઈજા થાય એ સ્વાભાવિક રીતે તમને ન જ ગમે. પ્લેયરોના સંઘર્ષની યાદોમાં આ કિસ્સો પણ એક કડવી યાદરૂપે સામેલ થઈ જાય માટે આ કોઈ હસવાની વાત નથી.'

પ્લેયરોની સુરક્ષા માટે નેક ગાર્ડ ફરજિયાત કરવાની વાત કરતાં લેન્ગરે જણાવ્યું કે 'વાસ્તવમાં ભૂલ મારી હતી, પણ મને હજી સુધી એ સમજાતું નથી કે શા માટે આ સુરક્ષાનાં સાધનો ફરજિયાત કરાયાં નથી. ભવિષ્યમાં પ્લેયરો માટે નેક ગાર્ડ ફરજિયાત કરવામાં આવે તો નવાઈ નહીં.'

(4:21 pm IST)