ખેલ-જગત
News of Thursday, 19th July 2018

મિડલ ઓર્ડરમાં સતત થતાં પ્રયોગોથી ટીમને નુકશાન : રૈનાનો વિકલ્પ જરૂરી

રાહુલ અને રહાણેને લઈને કોહલી પર ભડ્કયો ગાંગુલી

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોકેશ રાહુલ અને અજિંકય રહાણે જેવા બેટ્સમેનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ ભારતીય ટીમ - મેનેજમેન્ટ અને વિરાટ કોહલીની ટીકા કરી છે. ગાંગુલીએ કહ્યું હતું કે મિડલ ઓર્ડરમાં સતત પ્રયોગ કરવાથી ભારતીય ટીમને નુકશાન થઈ રહ્યુ છે. હાલમાં ભારતનો ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે, પરંતુ એ જો નિષ્ફળ જાય તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય જે એક મોટો મુદ્દો છે. તમારી પાસે ઈંગ્લેન્ડ જેવુ સ્તર હોવુ જોઈએ. ભારત રાહુલ જેવા ખેલાડીને વધુ તક નથી આપતુ. સારા ફોર્મમાં હોવા છતાં તેને છેલ્લી મેચમાં નહોતો રમાડ્યો. હું આંખો બંધ કરીને જોઉં તો મને ચોથા નંબરે રાહુલ જ દેખાય છે. તમારા ટોચના ચાર બેટ્સમેન સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ.

 

રાહુલ પાસે જાવ અને તેને કહો કે અમે તને ૧૫ મેચ આપીએ છીએ. બસ રમો. રાહુલે મેન્ચેસ્ટરમાં સદી ફટકારી અને તમે તેને બહાર કરી મૂકયો. આ રીતે તમે ખેલાડી તૈયાર ન કરી શકો. ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે રહાણે સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે. તે તમારો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેને પાંચમાં ક્રમાંક પર રમાડવો જોઈએ. મહેન્દ્રસિંહ ધોની અને દિનેશ કાર્તિક છઠ્ઠા ક્રમાંક પર રમી શકે છે. સાથોસાથ તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારત સુરેશ રૈનાના વિકલ્પનો વિચાર કરે. મને તેના પ્રત્યે સન્માન છે, પરંતુ મને લાગે છે કે તે વિદેશમાં રન નથી બનાવી શકતો.(૩૭.૧)

(1:57 pm IST)