ખેલ-જગત
News of Monday, 19th March 2018

વન-ડે અને ટી-૨૦માં ધોનીનો કોઈ વિકલ્પ નથી : કોહલી

માહીનો અનુભવ વિરાટ માટે મોટી તાકાત છે :વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે ભારતીય ટીમના આ બે ખેલાડીઓ વચ્ચેના સંબંધો વિશે કર્યો ખુલાસો : એ+ કેટેગરીનો પ્રસ્તાવ પણ તેમનો જ હતો

અત્યાર સુધી એવુ કહેવામાં આવતુ હતુ કે ભારતીય ક્રિકેટ બોર્ડના થયેલા સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના દરજ્જાને ઘટાડવામાં આવ્યો છે. પરંતુ એના કરતા ઉલ્ટુ, ભારતીય ક્રિકેટ બોર્ડના સંચાલન માટે સુપ્રિમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદરાયે કહ્યુ હતું કે ભૂતપૂર્વ કેપ્ટને જાતે જ સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે એ+ ગ્રેડ નો કોન્ટ્રાકટ માગ્યો હતો. ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને જશપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને એ+ કોન્ટ્રેકટ આપ્યો છે. જેમને વર્ષે ૭ કરોડ રૂપિયા મળશે. તો ધોની પાંચ કરોડ રૂપિયાવાળા એ ગ્રેડવાળા લિસ્ટમાં છે. વિનોદરાયના મતે ધોની અને કોહલી એ + ગ્રેડને એવી કેટેગરી તરીકે ચાલુ રાખવા માગતા હતા જેનાથી લોકોને ખબર પડે કે ટીમના ટોચના પર્ફોર્મર કોણ છે.

વિનોદ રાય ધોની અને કોહલી વચ્ચેના સંબંધોને લઈને પણ ઘણા પ્રભાવિત છે. તેમણે કહ્યુ હતું કે તેઓ બંને એકબીજાનો ઘણો આદર કરે છે. ધોનીના ક્રિકેટનની સમજથી કોહલી ઘણો પ્રભાવિત છે. તો બીજી તરફ એક ખેલાડી તરીકે વિરાટે જે સિદ્ધિ મેળવી છે એની ધોની કદર કરે છે.

કોહલીએ વિનોદ રાયને એમ પણ કહ્યુ હતું કે મર્યાદિત ઓવરની મેચમાં હાલમાં ધોનીનો કોઈ વિકલ્પ નથી. વિનોદ રાયે કહ્યુ હતું કે કોહલીને એવુ લાગે છે કે ધોની જેટલો ઝડપી વિકેટકીપર કોઈ નથી. ક્રિકેટમાં ધોનીનો અનુભવ વિરાટ માટે મોટી તાકાત છે તેનામાં કેટલુ ક્રિકેટ બાકી છે એ સમય અને તેનું પ્રદર્શન જણાવશે.

હાલમાં રમી રહેલા તમામ વિકેટકીપરોમાં સૌથી વધુ શિકાર ધોનીના નામે નોંધાયેલા છે. તેણે અત્યાર સુધી કુલ ૩૮૩ શિકાર ઝડપ્યા છે એમાં ૨૮૩ કેચ અને ૧૦૦ સ્ટમ્પીંગ છે.

(4:03 pm IST)