ખેલ-જગત
News of Wednesday, 19th February 2020

રેસલર સુનીલકુમારે ૮૭ કિલો વર્ગની ફાઇનલમાં કિર્ગીસ્તાનના અજાત સાલિદિનોવને પ.૦થી હરાવીને ભારતને એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ અપાવ્યો

નવી દિલ્હીઃ રેસલર સુનીલ કુમારે મંગળવારે 87 કિલો વર્ગની ફાઇનલમાં કિર્ગીસ્તાનના અજાત સાલિદિનોવને 5-0થી હરાવીને ભારતને એશિયન કુશ્તી ચેમ્પિયનશિપના ગ્રીકો રોમન વર્ગમાં 27 વર્ષમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સેમિફાઇનલમાં પાછળ રહ્યાં બાદ જીત મેળવનાર સુનીલે અહીં કેડી જાધવ ઇન્ડોર સ્ટેડિયમમાં 87 કિલો વર્ગની ફાઇનલમાં પોતાના વિરોધીને આસાનીથી પછાડી દીધો હતો.

આ પહેલા સુનીલ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના અજામત કુસ્તુબાયેવ વિરુદ્ધ 1-8થી પાછળ હતો પરંતુ ત્યારબાદ જોરદાર વાપસી કરતા સતત 11 પોઈન્ટની સાથે 12-8થી જીત મેળવવામાં સફળ રહ્યો હતો. સુનીલ 2019માં પણ આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ તેણે ફાઇનલ મુકાબલામાં હારને કારણે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.

એક અન્ય ભારતીય અર્જુન હલાકુર્કીએ પણ ગ્રીકો રોમન વર્ગની 55 કિલો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અર્જુનનો પોતાની પ્રથમ સીનિયર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આ પહેલો મેડલ છે. અર્જુન સેમિફાઇનલમાં ઈરાનના નાસિરપોર વિરુદ્ધ 7-1થી આગળ ચાલી રહ્યો હતો, પરંતુ તેણે 7-8થી હારનો સામનો કરવો પડ્યો હતો.

(4:20 pm IST)