ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

૨૦ વર્ષ બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં વન-ડે વર્લ્ડ કપનું આયોજન

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ૨૦ વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. આગામી ૩૦મી મેના રોજથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપને હવે ગણતરીના ૧૦૦ દિવસ બાકી છે. વર્લ્ડ કપમાં દરેક ટીમોએ પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ મોકલવા માટેની તૈયારીઓ કરી દીધી છે. તેઓએ હજુ ટીમ જાહેર કરી નથી પરંતુ વર્તમાન  સમયમાં કઈ ટીમનું પલ્લું ભારે છે અને વર્લ્ડ કપમાં કયો ખેલાડી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તેના પર એક નજર… ભારતીય ટીમને ઇંગ્લેન્ડની સાથે વર્લ્ડ કપની દાવેદાર ગણવામાં આવી રહી છે. વન-ડેમાં બીજો ક્રમાંક ધરાવતી ભારતીય ટીમ ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર વન-ડે સિરીઝમાં પરાજય આપ્યો છે. ઉપરાંત ભારતે ગત વર્ષે આફ્રિકાને તેના ઘરઆંગણે મેચની સિરીઝમાં ૫-૧થી અને વેસ્ટ ઇન્ડીઝને ૩-૧થી હાર આપી હતી. તે પછી એશિયા કપમાં ચેમ્પિયન બની હતી. ઇંગ્લેન્ડ ભારત માટે યાદગાર રહ્યું છે. ભારતે ૧૯૮૩ના વર્લ્ડ કપમાં લોર્ડ્સના મેદાન પર વેસ્ટ ઇન્ડીઝને હરાવી ટ્રોફી જીતી હતી.

 

(5:39 pm IST)