ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

બીસીસીઆઈ પુલવામા આતંકી હૂમલાના શહીદોના પરિવારો માટે પાંચ કરોડ રુપિયાનો ફાળો આપશે

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈ - નું સંચાલન કરી રહેલી ભૂતપૂર્વ સીએજીની અધ્યક્ષતાવાળી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને બોર્ડના કાર્યકારી પ્રમુખ સી.કે. ખન્નાએ અપીલ કરી છે કે, તેઓ પુલવામા આતંકી હૂમલાના શહીદોના પરિવારો માટે પાંચ કરોડ રુપિયાનો ફાળો આપે. આંતકી હૂમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ કરવા માટે દેશ તત્પર બન્યો છે, ત્યારે બીસીસીઆઈએ પણ કાર્યમાં જોડાવું જોઈએ તેમ બોર્ડના કાર્યકારી પ્રમુખ માની રહ્યા છે.સી.કે. ખન્નાએ ભૂતપૂર્વ સીએજી અને હાલ બીસીસીઆઈનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વડા વિનોદ રાયને સંબોધીને લખેલા પત્રમાં અંગેની વિનંતી કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, આપણે દુઃખી છીએ અને પુલવામામાં આંતકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હૂમલાને વખોડી કાઢવામાં આપણે દેશવાસીઓની સાથે જોડાવું જોઈએ. અમે શહીદોના પરિવારોને હૃદયપૂર્વકનો દિલાસો પાઠવીએ છીએ. હું બીસીસીઆઈનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને વિનંતી કરું છું કે, શહીદોના પરિવારોને યોગ્ય સરકારી એજન્સીથી સહાય મળે તે માટે બોર્ડે પાંચ કરોડ રુપિયા જેટલી રકમ તો ફાળવવી જોઈએ.બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખે એમ પણ ઉમેર્યું કે, હું તમામ રાજ્યોના એસોસિએશનો અને આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓના માલિકોને પણ અપીલ કરું છું કે, તેઓ શહીદોના પરિવારોની મદદ માટે ફાળો આપવા વિચારણા કરે. આગામી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની પ્રથમ મેચમાં તેમજ આઈપીએલની પ્રથમ મેચમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવે તેવી ભલામણ પણ ખન્નાએ બોર્ડને કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝનો પ્રારંભ તારીખ ૨૪મી ફેબુ્રઆરીએ રમાનારી પ્રથમ ટી-૨૦થી થશે. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ તારીખ ૨૩મી માર્ચના રોજ થવાનો છે. 

 

 

(5:39 pm IST)