ખેલ-જગત
News of Tuesday, 19th January 2021

મુખ્‍ય કોચ મુસ્‍બાહ ઉલ હકના નેતૃત્‍વવાળો સપોર્ટ સ્‍ટાફ હટયા બાદ હું ફરીથી પાકિસ્‍તાનનું પ્રતિનિધીત્‍વ કરવા તૈયાર છું: પાકિસ્‍તાનના ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ આમિરે પાકિસ્‍તાન તરફથી રમવા માટે શરત મુકી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની હાલની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા નિવૃતીની જાહેરાત કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરએ કહ્યુ કે, તે પાકિસ્તાન માટે ફરી રમી શકે છે. તેણે કહ્યું કે, મુખ્ય કોચ મુસ્બાહ ઉલ હકના નેતૃત્વ વાળો સપોર્ટ સ્ટાફ હટ્યા બાદ તે ફરીથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે.

ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા નિવૃતિ જાહેર કરી ચુકેલા મોહમ્મદ આમિરે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પસંદગી થયા બાદ પાછલા મહિને બોર્ડ પર માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.

ત્યારબાદ તેણે મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનૂસ પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આમિરે સોમવારે ટ્વીટ કરીને કહ્યુ, 'હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છું કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા ત્યારે હાજર રહીશ, જ્યારે મેનેજમેન્ટ હટી જશે. મહેરબાની કરી પોતાની કહાની વેચવા માટે ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરો.'

આમિરે પાછલા સપ્તાહે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમના માહોલમાં ફેરફારની ખુબ જરૂર છે. તેણે મીડિયાને કહ્યું, 'ખેલાડીઓને ખુદ માટે સમય અને સ્વતંત્રતા આપો. ડ્રેસિંગ રૂમમાં ડરામણો માહોલ ખતમ કરો, ખેલાડી તમારા માટે મેચ જીતશે.'

આમિરે 2019માં સીમિત ઓવરોના ફોર્મેટમાં ધ્યાન આપવા માટે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. તેણે 36 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપી છે. સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ 2010થી 2015 પાંચ વર્ષ માટે તેના પર પ્રતિબંધ લાગ્યો હતો.

(5:14 pm IST)