ખેલ-જગત
News of Tuesday, 18th September 2018

૪૫મી બર્લિન મેરેથોનમાં ડો. એરિકા દેસાઈએ ભારતનું નામ કર્યું રોશન

નવી દિલ્હી: ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, મૂળ અમદાવાદની અને અત્યારે ચેન્નઈમાં સ્થાયી થયેલી ડો. એરિકા દેસાઈએ જર્મનીના બર્લિન ખાતે યોજાયેલી ૪૫મી બર્લિન મેરેથોનમાં ભાગ લીધો હતો. વર્લ્ડ મેડિકલ એસોસિયેશન અને એમસીઆઈના પૂર્વ અધ્યક્ષ ડો. કેતન દેસાઈની પુત્રી ડો. એરિકા દેસાઈએ ૪૨.૧૯૫ કિમીની આ રેસ પાંચ કલાક અને ૩૯ મિનિટમાં પૂર્ણ કરી હતી.વિશ્વની છ મેજર મેરેથોન પૈકી એક બર્લિન મેરેથોનમાં૧૩૩ દેશના ૪૪,૩૮૯ રનર્સે ભાગ લીધો હતો જેમાંથી ૪૦,૭૭૫ લોકોએ રેસ પૂર્ણ કરી હતી. આ પૈકી ભારત તરફથી એક માત્ર ડોક્ટર એરિકા હતી જેણે આ મેરેથોન પૂર્ણ કરી હતી. આ મેરેથોનમાં સફળતા માટે એરિકા છેલ્લા આઠ મહિનાથી ટ્રેનિંગ લઈ રહી હતી. તેની સિદ્ધિ અન્ય મહિલા ડોક્ટર્સ માટે પ્રેરણાદાયી બની રહેશે. એરિકાની આ સિદ્ધિ ગુજરાત અને ભારતના મેડિકલ સમૂહ માટે ગૌરવની બાબત છે.આ દોડમાં મહિલા વિભાગમાં કેન્યાની ગ્લેડીઝ ચારોનોએ બે કલાક ૧૮ મિનિટ અને ૧૧ સેકન્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઇથિયોપિયાની રૂતિ આગા બે કલાક, ૧૮ મિનિટ અને ૩૪ સેકન્ડ સાથે બીજા જ્યારે તિરુનેશ દિબાલા બે કલાક ૧૮ મિનિટ અને ૫૫ સેકન્ડ સાથે ત્રીજા ક્રમે રહી હતી. પુરુષ વિભાગમાં કેન્યાના ૩૩ વર્ષીય ઇલિયુદ કિપચોગેએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં બે કલાક, એક મિનિટ અને ૩૯ સેકન્ડમાં રેસ પૂર્ણ કરી હતી. કિપચોગેએ પોતાના જ દેશના જેનિસ કિમેતોના રેકોર્ડને તોડયો હતો. કિમેતોએ ૨૦૧૪માં બે કલાક બે મિનિટ અને ૫૭ સેકન્ડના રેકોર્ડ સાથે રેસ પૂર્ણ કરી હતી.

(5:04 pm IST)