ખેલ-જગત
News of Friday, 18th May 2018

એશિયન ગેમ્સના નેશનલ કેમ્પમાં ફોગાટ સિસ્ટર્સ ગેરહાજર રહેતા સસ્પેન્ડ

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં ભારતની મેડલની આશા જેના પર ટકેલી છે તેવી ગીતા અને બબીતા ફોગટ સહિતની ચારેય ફોગટ સિસ્ટર્સ કુસ્તીના નેશનલ કેમ્પમાં ગેરહાજર રહેતાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ગીતા અને બબીતાની સાથે રીતુ અને સંગીતા ફોગટની સાથે સાથે ૧૫ અન્ય કુસ્તીબાજોને પણ નેશનલ કેમ્પમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભારતીય કુસ્તી સંઘે ફોગટ સિસ્ટર્સ પાસે નેશનલ કેમ્પમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો માંગ્યો છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં જકાર્તાના પાલેમબાગ ખાતે એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે ભારતીય કુસ્તીબાજોએ અત્યારથી તૈયારી આરંભી છે. લખનઉમાં એશિયન ગેમ્સ માટેનો કેમ્પ શરૃ થઈ ગયો છે, આમ છતાં હજુ આ ટોચની કુસ્તીબાજો તેમાં ભાગ લેવા માટે પહોંચી નથી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આસીસ્ટન્ટ સેક્રેટરીએ એક મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું કે, કેમ્પ તો તારીખ ૧૦મી મેથી શરૃ થઈ ચૂક્યો છે, પણ ફોગટ સિસ્ટર્સ સહિત ૧૫ કુસ્તીબાજો હજુ કેમ્પમાં આવ્યા નથી. તેમાંથી કોઈએ અમને સંપર્ક કરીને જણાવ્યું સુદ્ધા નથી કે તેઓ શા માટે કેમ્પમાં હાજર થયા નથી. ફેડરેશને એમ પણ કહ્યું કે, તેમની ગેરહાજરીને કારણે તેમના પાર્ટનરને સહન કરવાનું આવે છે. કુસ્તીમાં ખેલાડીઓને પ્રેક્ટિસ માટે પાર્ટનર્સ ફાળવવામાં આવ્યા છે અને તેમની સાથે તેમણે પ્રેક્ટિસ કરવાની હોય છે. જો એક સાથે આટલા બધા કુસ્તીબાજો ગેરહાજર રહે તો તેમના પાર્ટનર્સને મુશ્કેલી થાય તે સ્વાભાવિક છે.
 

(5:09 pm IST)