મલેશિયાને હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મહિલા હોકી ટીમ ફાઈનલમાં
સાઉથ કોરીયામાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારતની મહિલા હોકી ટીમે મલેશીયાને ૩-૨થી પરાજીત કરીને સતત ત્રીજા જીત સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે શનિવારે ભારતની ટીમ સાઉથ કોરીયા સામે મેચ રમશે અને રવિવારે આ સ્પર્ધાની ફાઈનલ મેચ થશે. આ સ્પર્ધામાં ભારતીય ટીમ અજેય રહી છે. એણે જાપાન, ચીન અને મલેશીયાને પરાજીત કરીને આ સિદ્ધિ મેળવી છે. ગઈકાલની મેચમાં ભારતની ગુરજીત કૌર, વંદના કટારીયા અને લાલરેમસીયામીએ ગોલ કર્યા હતા. મેચ બાદ કેપ્ટન સુનિતા લાકડાએ કહ્યુ હતું કે આ વિજયથી અમે ખુશ છીએ, પણ અમે વધારે ગોલ કરી શકીએ એમ હતા. જે રીતે અમે રમ્યા છીએ એનાથી હું ખુશ નથી. અમે આ મેચમાં કરેલી ભૂલો વિશે ચર્ચા કરીશુ જેથી આગળની મેચોમાં સારો દેખાવ અમે કરી શકીએ.