ખેલ-જગત
News of Thursday, 18th April 2019

PL -2019 :દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયનનો 40 રને શાનદાર વિજય

મુંબઈના 168 રનના જવાબમાં દિલ્હી 9 વિકેટે 128 રન કરી શક્યું :રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ

આઇપીએલ-12માં રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહની ચુસ્ત બોલિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 40 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 128 રન બનાવી શક્યું હતું.


શિખર ધવન 35 રન બનાવી બોલ્ડ થયો હતો. પૃથ્વી શો 20 રન બનાવી ચહરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. કોલિન મૂનરોનું કંગાળ ફોર્મ યથાવત્ રહેતા 3 રને આઉટ થયો હતો. કેપ્ટન ઐયર (3) પણ સસ્તામાં આઉટ થતા દિલ્હીએ 63 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પંત પણ ખાસ કમાલ ન કરી શકતા 7 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. સતત વિકેટો પડતા દિલ્હીનો પરાજય નિશ્ચિત બન્યો હતો.

રોહિત શર્મા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરુઆત અપાવી હતી. રોહિત શર્મા 30 રને અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. કુટિંગ 2 રને આઉટ થયો હતો. આ પછી ડી કોક 35 રને રન આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ સારી શરુઆતને મોટો સ્કોરમાં ફેરવી ન શકતા 26 રને રબાડાનો શિકાર બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 2 ફોર અને 3 સિક્સરની મદદથી 32 રન બનાવ્યા હતા. પંડ્યા બ્રધર્સ વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી. ક્રુણાલ પંડ્યા 26 બોલમાં 37 રને અણનમ રહ્યો હતો. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 64 રન ફટકાર્યા હતા

(11:48 pm IST)