ખેલ-જગત
News of Thursday, 18th April 2019

વર્લ્ડ કપ 2019 :દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત: ફાફ ડૂ પ્લેસિસ સુકાની:હાશિમ અમલાને સ્થાન: ક્રિસ મોરિસ બહાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ લંડનમાં શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમનું સુકાનપદ ફાફ ડૂ પ્લેસિસને અપાયું છે. પસંદગીકર્તાઓએ હાશીમ અમલામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે, જેનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી એક સમાન રહ્યું નથી. બીજી તરફ, આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી.

દક્ષિણ આફ્રિકાના પસંદગીકર્તાઓએ વર્લ્ડ કપ માટે એક જ વિકેટકીપર ક્વિન્ટન ડિકોકની પસંદગી કરી છે. એટલે કે, જો જરૂર પડશે તો બેક-અપ વિકેટકીપર તરીકે ડેવિડ મિલર ભૂમિકા ભજવશે. રીઝા હેન્ડ્રિક્સને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. 29 વર્ષનો હેન્ડ્રિક્સ મિડલ ઓર્ડર બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. હેન્ડ્રિક્સે છેલ્લે ઓગસ્ટ મહિનામાં પ્રથમ વનડે મેચ રમી હતી, ત્યાર પછી તે ટીમમાં છે. 

 

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરનારો 7મો દેશ છે. વર્લ્ડ કપ માટે સૌથી પહેલા ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી હતી. ત્યાર પછી ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે કરી હતી. પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે એટલે કે 18 એપ્રિલના રોજ પોતાની ટીમોની જાહેરાત કરી છે. હવે માત્ર વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત બાકી રહી છે. 

(11:44 pm IST)