ખેલ-જગત
News of Monday, 18th January 2021

ગાબા પર એક ટેસ્ટમાં પ કેચ ઝડપવાનો રોહિતનો રેકોર્ડ

બ્રિસબેનના મેદાન પરની ટેસ્ટમાં રોહિતની સિધ્ધિ : ગાબા પર ટેસ્ટમાં સૌથી વધુ કેચનો વિક્રમ ફ્લેમિંગનો છે

બ્રિસબેન, તા. ૧૮ : ભારતીય ટીમના ઑપનર રોહિત શર્માએ બ્રિસ્બેન ટેસ્ટમાં ફિલ્ડર તરીકે એક ખાસ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. રોહિતે મેચમાં કુલ ૫ કેચ પકડ્યા. ગાબામાં એક ટેસ્ટમાં ફિલ્ડર તરીકે સૌથી વધારે કેચના મામલે રોહિત હવે સંયુક્ત રીતે બીજા નંબરે છે. બીજી ઇનિંગમાં રોહિત શર્માએ શાર્દુલ ઠાકુરના બૉલ પર બીજી સ્લિપમાં કૈમરન ગ્રીનનો કેચ પકડીને આ સિદ્ધી મેળવી. બ્રિસ્બેનમાં એક ટેસ્ટમાં સૌથી વધારે કેચ ઝડપવાનો રેકૉર્ડ ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગના નામે છે.

ફ્લેમિંગે ૧૯૯૭માં ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ ૬ કેચ ઝડપ્યા હતા. ઑસ્ટ્રેલિયાના સેમ લૉક્સટન અને માર્ક ટેલરે પણ આ મેદાન પર એક મેચમાં ૫-૫ કેચ પકડ્યા છે. લૉક્સટને ઇંગ્લેન્ડની વિરુદ્ધ ૧૯૫૦માં ૫ કેચ ઝડપ્યા, જ્યારે ટેલરે ૧૯૯૭ની મેચમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ આટલા જ કેચ ઝડપ્યા હતા. રોહિતે બીજી ઇનિંગમાં ૨ કેચ ઝડપ્યા. આ પહેલા તેણે મહોમ્મદ સિરાજની ઑવરમાં માર્નસ લાબુશેનનો કેચ ઝડપ્યો હતો. રોહિતે પહેલી ઈનિંગમાં પણ ૩ કેચ ઝડપ્યા હતા. તેણે પહેલી ઇનિંગમાં પેન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

ઉલ્લેખનીય છે કે બ્રિસબેન ટેસ્ટમાં ભારતને જીતવા માટે અંતિમ દિવસે ૩૨૪ રનની જરૂર છે. ઑસ્ટ્રેલિયાએ ભારતને ૩૨૮ રનનો પડકાર આપ્યો છે. બીજી ઇનિંગમાં પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે વિના વિકેટે ૧.૫ ઑવરમાં ૪ રન બનાવ્યા છે. રોહિત શર્મા અને શુભમન ગિલ રમતમાં છે.

વરસાદના કારણે રમત અટકાવી દેવામાં આવી હતી. આ પહેલા ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં તમામ વિકેટ ગુમાવીને ૨૯૪ રન બનાવ્યા હતા અને ભારતને ૩૨૮ રનનો પડકાર આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં ૩૬૯ અને ભારતને બીજી ઇનિંગમાં ૩૩૬ રને ઑલઆઉટ કરીને બીજી ઈનિંગમાં ૩૩ રનની સરસાઈ મેળવી હતી.

(7:50 pm IST)