ખેલ-જગત
News of Monday, 18th January 2021

નટરાજને સ્પોટ ફિક્સિંગ કર્યાનો શેન વોર્નનો આરોપ

ટીમના નબળા દેખાવથી હતાશ વોર્નનો બફાટ : ભારતીય બોલર નટરાજને બ્રિસબેન ટેસ્ટ દરમિયાન સાત નૉ બૉલ ફેંક્યા જેના પર શેન વૉર્ને વિવાદાસ્પદ વાત કહી

બ્રિસબેન, તા. ૧૮ : ઑસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્ને બ્રિસબેન ટેસ્ટના ચોથા દિવસે એવી વાત કહી છે જે સાંભળીને કોઈ પણ ભારતીય ફેન તેને માફ નહીં કરે. શેન વૉર્ને ઇશારા-ઇશારામાં ટીમ ઇન્ડિયાના બૉલર ટી નટરાજન પર સ્પોટ ફિક્સિંગ ના આરોપો લગાવી દીધા છે. શેન વૉર્ને ઑસ્ટ્રેલિયાઈ ચેનલ પર કૉમેન્ટ્રી દરમિયાન નટરાજન દ્વારા ફેંકવામાં આવેલા બૉલ્સ પર શંકા વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે ટી નટરાજને બ્રિસબેન ટેસ્ટ દરમિયાન ૭ નૉ બૉલ ફેંક્યા જેના પર શેન વૉર્ને વિવાદાસ્પદ વાત કહી.

બીજી ઈનિંગમાં ભારતીય બૉલિંગ દરમિયાન કૉમેન્ટ્રી કરી રહેલા શેન વૉર્ને એલન બૉર્ડરને કહ્યું કે, ટી નટરાજને જે ૭ નૉ બૉલ ફેંક્યા છે તેમાંથી ૫ પહેલા બૉલ પર પડ્યા છે. શેન વૉર્ને કહ્યું કે, "મને નટરાજનની બૉલિંગને લઈને કંઇક અલગ ચીજ જોવા મળી છે. નટરાજને ૭ નૉ બૉલ ફેંક્યા છે અને આ તમામ ઘણા મોટા નૉ બૉલ છે. આમાંથી ૫ નૉ બોલ પહેલા બૉલ પર આવી અને તેનો પગ ક્રીઝથી ઘણો બહાર જોવા મળ્યો. આપણે તમામે નૉ બૉલ ફેંક્યા છે, પરંતુ ૫ નૉ બૉલ પહેલા બૉલ પર ફેકવા રસપ્રદ છે."

ઉલ્લેખનીય છે કે શેન વૉર્ન અહીં ઈશારા-ઈશારામાં જ ટી નટરાજનની તુલના પાકિસ્તાની ઝડપી બૉલર મોહમ્મદ આમિર સાથી રહી રહ્યો છે, જેણે વર્ષ ૨૦૧૦માં લૉર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઘણો મોટો નૉ બૉલ ફેંક્યો હતો. મોહમ્મદ આમિર ત્યારબાદ સ્પોટ ફિક્સિંગનો દોષી ઠેરવાયો હતો. ઉલ્લેખનીય છે કે ટી નટરાજને બ્રિસબેન ટેસ્ટમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. નટરાજને પહેલી ઇનિંગમાં ૩ વિકેટ પોતાના નામે કરી. નટરાજને બ્રિસ્બેન ટેસ્ટમાં ઑપનિંગ બૉલર તરીકે ડેબ્યૂ કર્યું અને સૌથી પહેલા મેથ્યૂ વેડની વિકેટ લીધી. ત્યારબાદ તેણે માર્નસ લાબુશેનની પણ વિકેટ લીધી. નટરાજને આ જ પ્રવાસ પર વનડે અને ટી-૨૦માં ડેબ્યૂ કર્યું હતુ. એક વનડેમાં તેણે ૨ વિકેટ ઝડપી હતી. તો ટી-૨૦ સિરીઝની ત્રણ મેચોમાં તેને ૩ વિકેટ મળી હતી.

(7:50 pm IST)