ઓસ્ટ્રેલિયન ઓપન :સેરેનાએ બોઉચાર્ડને હરાવી : હાલેપ-સ્વિટોલીનાની આગેકૂચ
હવે સેરેનાનો મુકાબલો યુક્રેનની યાસ્ત્રેમાસ્કા સામે થશે.
સિડની :માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડની બરોબરી કરવાના ઈરાદા સાથે આગળ વધી રહેલી અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે કેનેડાની બોઉચાર્ડને ૬-૨, ૬-૨થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું હતુ. હવે સેરેનાનો મુકાબલો યુક્રેનની યાસ્ત્રેમાસ્કા સામે થશે.
ટોપ સીડ અને વર્લ્ડ નંબર વન રોમાનિય ટેનિસ ખેલાડી સિમોના હાલેપે અમેરિકાની સોફિયા કેનિનને અઢી કલાકના મુકાબલામાં ૬-૩, ૬-૭ (૫-૭), ૬-૪થી હરાવી હતી. હવે સિમોનાનો મુકાબલો અમેરિકાની લેજન્ડરી ખેલાડી વિનસ વિલિયમ્સ સામે થશે. વિનસે ફ્રાન્સની એલિઝા કોર્નેટની સામે ૬-૩, ૪-૬, ૬-૦થી જીત હાંસલ કરી હતી.
ચોથો સીડ ધરાવતી જાપાનની નાઓમી ઓસાકાએ સ્લોવેનિયાની ઝીડાન્સેક સામે એક કલાક અને ચાર જ મિનિટમાં ૬-૨, ૬-૪થી વિજય મેળવ્યો હતો. છઠ્ઠો સીડ ધરાવતી યુક્રેનની સ્વિટોલીનાએ સ્લોવેકિયાની કુઝમોવાને ૬-૪, ૬-૧થી ટુર્નામેન્ટની બહારનો રસ્તો દેખાડયો હતો.
ચેક રિપબ્લિકની કારોલીના પ્લિસકોવાએ ૪-૬, ૬-૧, ૬-૦થી અમેરિકાની બ્રેન્ગલેને અને ૧૭મો સીડ ધરાવતી અમેરિકાની મેડિસન કિઝે રશિયાની અનાસ્તાસિયા પોટાપોવાને ૬-૩, ૬-૪થી હાર આપતાં ત્રીજા રાઉન્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.