ખેલ-જગત
News of Friday, 18th January 2019

ચહલનો તરખાટ ૬ વિકેટો : કાંગારૂ ૨૩૦માં ઓલઆઉટ

મેલબોર્ન વન-ડેમાં વિરાટ સેનાનો ટોસ જીતી દાવ આપવાનો જુગાર સફળ : નવોદિત બોલર વિજયશંકર ટીમમાં : મેચ ખૂબ રસપ્રદ બન્યો

મેલબોર્ન, તા. ૧૮ : ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસનો આજે અંતિમ વન-ડે મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહ્યો છે. આ સીરીઝમાં પ્રથમ જ મેચ રમી રહેલ યજુવેન્દ્ર ચહલે તરખાટ મચાવી ૬ વિકેટો ખેરવી નાખતા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૨૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨૩૧ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમની પણ ૩ વિકેટો પડી ગઈ છે અને મેચ ખૂબ રસપ્રદ બન્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન-ડે મેચોની સિરીઝના આજે અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને બેટીંગમાં ઉતારવાનો કેપ્ટન વિરાટ કોહલીનો નિર્ણય સાર્થક નિવડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૩૦ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના સ્પીનર ચહલે ૧૦ ઓવરમાં માત્ર ૪૨ રન આપી ૬ વિકેટો ઝડપી હતી. જયારે ભુવનેશ્વર અને શમીએ ૨-૨ વિકેટો લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન હેન્ડ્સકોબે ૫૮ રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ૪૦થી વધુ રન બનાવી શકયા ન હતા.

શરૂઆતથી જ આક્રમક બોલીંગ કરી રહેલા ભુવનેશ્વરે કેરીને આઉટ કર્યા બાદ તરત જ ફિન્ચને પણ ૧૪ રને એલબીડબલ્યુ કરી ઓસ્ટ્રેલિયાને બીજો ઝાટકો આપ્યો હતો. જો કે બાદમાં માર્શ અને હેન્ડસકોબ વચ્ચે મહત્વની ૭૩ રનની ભાગીદારી નોંધાતા ઓસ્ટ્રેલિયન ટીમનો આંકડો ૧૦૦ રનને પાર થઈ ગયો હતો બાદમાં બોલીંગમાં આવેલા ચહલે એક જ ઓવરમાં ઉપરાઉપરી બે ઝાટકા આપી ખ્વાજા અને માર્શને આઉટ કરી દેતાં ઓસ્ટ્રેલિયાએ ૧૦૧ રનમાં ૪ વિકેટો ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટોઈનીશને પણ ચહલે જ રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવી દેતાં ૧૨૩ રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાએ ૫મી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શમીએ ૩૫મી ઓવરમાં મેકસવેલને ભુવીના હાથે કેચઆઉટ કરાવી દેતાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બોલરોનો સામનો કરી રહેલા હેન્ડસકોબે તેની અડધી સદી પૂરી કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૨૦૦ રનથી પાર કરાવ્યો હતો. જો કે ૪૪મી ઓવરમાં ફરી ચહલ ત્રાટકયો હતો અને રિચર્ડસનને ૧૬ રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ભારતે અંતિમ ઓવરોમાં ૨ વિકેટો ઝડપી ઓસ્ટ્રેલિયાને ૫૦ ઓવર પૂરી રમવા પણ દીધી ન હતી.

૨૩૧ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમની પણ શરૂઆત સારી રહી ન હતી. ઓપનર રોહિત શર્મા ૯, શિખર ધવન-૨૩ રને જલ્દી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ વિરાટ અને ધોનીએ બાજી સંભાળી હતી. જો કે કોહલી ફીફટી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ૪૬ રને આઉટ થયો હતો.

આ લખાય છે ત્યારે ભારતે ૩૫ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૧૩૧ રન બનાવ્યા છે. ધોની ૪૨ અને કેદાર જાદવ ૧૧ રને દાવમાં છે. ભારતને સિરીઝ જીતવા હજુ ૯૮ રનની જરૂર છે.

 

(8:06 pm IST)