ખેલ-જગત
News of Saturday, 17th November 2018

એટીપી ફાઇનલ્સની સેમિફાઇનલમ ફેડરરનો પ્રવેશ

નવી દિલ્હી: રોજર ફેડરરે એટીપી ફાઇનલ્સમાં પોતાની અંતિમ લીગ મેચમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને ૬-૪, ૬-૩થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ૧૬મી વખત એટીપી ફાઇનલ્સમાં રમી રહેલા રોજર ફેડરરે ૧૫મી વખત આ ટૂર્નામેન્ટની સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો. રોજર ફેડરર માત્ર ૨૦૦૮માં લીગ રાઉન્ડમાં બહાર થયો હતો. ફેડરરને પ્રથમ રાઉન્ડમાં નિશિકોરીએ પરાજય આપ્યો હતો પરંતુ તેણે વાપસી કરતાં બીજી લીગ મેચમાં થિયામને હરાવ્યો હતો.ફેડરર હવે પોતાના ૧૦૦મા ટૂર લેવલ ટાઇટલથી બે વિજય દૂર છે. જો તેમાં સફળ થાય તો તે એટીપી ટેનિસમાં ૧૦૦ કે તેથી વધુ ટાઇટલ જીતનાર જિમ્મી કોનોર બાદ બીજો ખેલાડી બની જશે. કોનોરે ૧૦૯ ટાઇટલ જીત્યાં હતા. ફેડરરનો આ વિજય સાથે એટીપી ફાઇલ્સમાં જીત-હારનો રેકોર્ડ ૫૭-૧૪ થઈ ગયો છે. ફેડરરે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, રોટર્ડમ, સ્ટટગાર્ટ અને બાસેલ ટાઇટલ જીત્યું હતું.મેચ પૂર્ણ થયા બાદ રોજર ફેડરરે કહ્યું કે, હું અત્યારે ૧૦૦મા ટાઇટલ અંગે વિચારી રહ્યો નથી. હું ૧૦૦મા ટાઇટલના વિચારને મારા મગજમાં લાવવા માગતો નથી કારણ કે, તેનાથી મારા પર વધારાનું દબાણ આવી જશે. આ વિજય બાદ હું ખુશ છું કે, મારામાં હજુ એનર્જી બાકી છે અને માનસિક રીતે પણ ઘણો સ્વસ્થ છું.કેવિન એન્ડરસનો ફેડરર સામે પરાજય થયો હોવા છતાં અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું હતું. એન્ડરસન અને ફેડરર પહેલાં થિયામ અને નિશિકોરી વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં થિયામે પોતાની અંતિમ લીગ મેચમાં નિશિકોરીને ૬-૧, ૬-૪થી હરાવ્યો હતો. જેને કારણે ફેડરર સામેની મેચ પહેલાં જ કેવિન એન્ડરસને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તે એટીપી ફાઇનલ્સની સેમિમાં પહોંચનાર પ્રથમ સાઉથ આફ્રિકન ખેલાડી બની ગયો હતો. એન્ડરસને ફેડરર સામેની મેચ પહેલાં થિયામ અને નિશિકોરીને પરાજય આપ્યો હતો. નિશિકોરીએ ફેડરરને અને થિયામે નિશિકોરીને હરાવી ૧-૧ જીત મેળવી હતી અને બંને બહાર થઈ ગયા હતા

 

(5:32 pm IST)