ખેલ-જગત
News of Saturday, 17th November 2018

હોંગકોંગ ઓપનમાં શ્રીકાંતને મળી હાર

નવી દિલ્હી: ભારતના કિદામ્બી શ્રીકાંત અને સમીર વર્મા હોંગકોંગ ઓપન વર્લ્ડ ટૂર સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પોતપોતાની મેચ હારીને બહાર ફેંકાયા હતા. આ સાથે ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ચોથો સીડ ધરાવતો ભારતીય બેડમિંટન સ્ટાર શ્રીકાંત ક્વાર્ટર ફાઈનલમાં આઠમા સીડેડ જાપાનીઝ ખેલાડી કેન્ટો નિશિમોટો સામે ૧૭-૨૧, ૧૩-૨૧થી હારી ગયો હતો. નિશિમોટો સામેની ચોથી મેચમાં શ્રીકાંતને આ પહેલી વખત હારનો સામનો કરવો પડયો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ભારતીય ખેલાડી શ્રીકાંત ખાસ કમાલ દેખાડી શક્યો નહતો અને તેણે શરૃઆતની ગેમમાં માત્ર ૧૫ પોઈન્ટ સુધી જોરદાર સંઘર્ષ કર્યો હતો. આ પછી નિશિમોટોએ મેચ પર પકડ જમાવી લીધી હતી અને ભારતીય ખેલાડીએ ત્યારબાદ મેચમાં પાછા ફરવાનો ખાસ પ્રયાસ પણ કર્યો નહતો.ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશેલા ભારતના અન્ય એક ખેલાડી સમીર વર્માએ વધુ સારો દેખાવ કરતાં હોંગ કોંગના લી ચેક યીઉને ૧૫-૨૧,૨૧-૧૯,૧૧-૨૧થી હંફાવવાનો પ્રયાસ કર્યો હતો. સમીરે બીજી ગેમમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો પણ ત્રીજી અને નિર્ણાયક ગેમમાં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો.

(5:30 pm IST)