ખેલ-જગત
News of Monday, 17th September 2018

એશિયા કપ: પાકિસ્તાને 8 વિકેટથી હોંગકોંગને આપી માત

નવી દિલ્હી: હોંગકોંગે એશિયા કપમાં પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પરંતુ તેના બેટ્સમેનો પાકિસ્તાનના ઝડપી બોલરો સામે ટકી શક્યા નહોતા અને સમગ્ર ટીમ ૧૧૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેની સામે પાકિસ્તાને ૨૪મી ઓવરમાં બે વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.હોંગકોંગ તરફથી નિઝકતખાન અને કેપ્ટન અંશુમાન રથે ઇનિંગની શરૂઆત કરી હતી. નિઝાકર ૧૩ રન બનાવી અને રથ ૧૯ રન બનાવી આઉટ થયો હતો. તે પછી બાબર હયાત સાત, ક્રિસ્ટોફર કાર્ટર બે અને એહસાન ખાન શૂન્યમાં આઉટ થયા હતા. ૪૪ રનના સ્કોરે હોંગકોંગની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી ત્યારે એઝાઝ ખાન અને કિંચિત શાહે ૫૩ રનની ભાગીદારી નોંધાવી ટીમનો રકાસ અટકાવ્યો હતો. આ સમયે ઉસ્માન ખાને ૩૧મી ઓવરમાં એઝાઝને ૨૭ રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો. તે પછી તે જ ઓવરમાં મેકકેશિન અને તનવીરને આઉટ કરાતાં ૮૭ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. કિંચિત શાહ પણ ૨૬ રન બનાવી આઉટ થતાં ૯૯ રનના સ્કોરે હોંગકોંગે નવ વિકેટ ગુમાવી દીધી હતી. એહસાન નવાઝ અને નદીમ એહમદે ૯-૯ રન બનાવતાં ટીમનો સ્કોર ૧૧૬ રન થયો હતો. એહસાન નવાઝ અંતિમ વિકેટના રૂપમાં રનઆઉટ થયો હતો.૧૧૭ રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને ઓપનર ફખર ઝમાંની વિકેટ ૪૧ રનના સ્કોરે ગુમાવી દીધી હતી. આઝમ અને ઇમામે ત્યારબાદ ૫૨ રન જોડી ટીમને જીતની નજીક પહોંચાડી ત્યારે આઝમ અંગત ૩૩ રન બનાવી આઉટ થયો હતો. આઝમે આ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ૨,૦૦૦ રન પૂર્ણ કર્યા હતા અને તેણે આ સિદ્ધિ ૪૭મી મેચની ૪૫મી ઇનિંગમાં મેળવી હતી અને તે આ મામલે સંયુક્તરીતે બીજા સ્થાને પહોંચી ગયો છે. અમલાએ ૪૦ ઇનિંગમાં બે હજાર રન પૂર્ણ કર્યા હતા જે રેકોર્ડ છે જ્યારે ઝહીર અબ્બાસ અને કેવિન પીટરસને પણ ૪૫-૪૫ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. બાબર આઝમ બાદ મલિક અને ઇમામે ટીમને વિજય અપાવ્યો હતો.

(5:44 pm IST)