ખેલ-જગત
News of Tuesday, 17th July 2018

ફિફા વર્લ્ડ કપ પૂર્ણ થયો: હવે રશિયામાં નવ મહિના પછી વસ્તી વધારો જોવા મળશે

મોસ્કો: રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સાથે રમતોત્સવ પૂર્ણ થયો, હવે તેનું પરિણામ નવ મહિના પછી શું આવે છે તેના પર રશિયાના વસતિ નિષ્ણાતોની નજર રહેશે.

વિશ્વના સૌથી અગત્યના ગણાતા ફૂટબોલ રમતોત્સવનું આયોજન કરનારા દેશ રશિયામાં ખેલના ઉન્માદને કારણે શું ફરી એકવાર જન્મદર વધારો થશેઆનો જવાબ જાણવા માટે નિષ્ણાતો જન્મની નોંધણીના આંકડા જાણવા માટે ઉત્સુક રહેશે.

ભૂતકાળના સંશોધનો જણાવે છે કે રમતગમતમાં મળેલી જીતની ખુશી કે ભવ્ય આયોજનોના કારણે જે તે દેશમાં ઉમંગ વધે છે અને તેનું પરિણામ વધેલા જન્મદરમાં દેખાતું હોય છે.રશિયા માટે તે આનંદના સમાચાર સાબિત થઈ શકે છે, કેમ કે 1992થી દેશમાં વસતિની બાબતમાં ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે.1992થી દેશની વસતિ વધારાનો દર નેગેટિવ થયો છે, એટલે કે નવા જન્મની સામે મૃત્યુનો આંક વધવા લાગ્યો છે.યુદ્ધ પશ્ચાતના શાંતિના સમયગાળામાં પ્રથમવાર રશિયામાં વસતિ વધતી અટકી છે, એમ અમેરિકાની વૈશ્વિક થિન્ક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશનના અહેવાલમાં જણાવાયું છે.એક અંદાજ અનુસાર, રશિયાની હાલની વસતિ 14.3 કરોડની છે, તે 2050 સુધીમાં ઘટીને 11.1 કરોડ પર પહોંચે તેવી શક્યતા છે.જીવનધોરણમાં ઘટાડો, મૃત્યુનો વધતો દર અને ઓછો જન્મદર એ ત્રણેય કારણોસર વસતિ વધારાનો દર ઘટવા લાગ્યો છે.

(12:14 pm IST)