ખેલ-જગત
News of Wednesday, 17th February 2021

સાઉથ આફ્રિકાના ફટકાબાજ ડુપ્લેસીસની ટેસ્ટ ક્રિકેટને અલવિદા

૧૦ સદી, ૨૧ ફીફટી ફટકારી, ૩૬ ટેસ્ટમાં કેપ્ટનશીપ

નવી દિલ્હી : સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર પૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી છે.  ક્રિકેટના લાંબા ફોર્મેટમાં હાલમાં તેનુ ફોર્મ પણ સારુ નહોતુ ચાલી રહ્યુ. હાલમાં જ પાકિસ્તાન પ્રવાસ દરમ્યાન પણ તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. દરમ્યાન હવે તેના ખરાબ ફોર્મને જોતા હવે તેણે ટેસ્ટ ફોર્મેટથી નિવૃત્તી લેવાનુ મન બનાવી લીધુ હોવાનુ માનવામાં આવે છે.

૩૬ વર્ષનો સાઉથ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન પ્લેસીસ ટેસ્ટ મેચ કેરિયરમાં ૬૯ મેચ રમી ચુક્યો છે. તેણે ૪૦૦૦ થી વધુ રન બનાવ્યા છે. પ્લેસિસ એ નવેમ્બર ૨૦૧૨માં ઓસ્ટ્રેલીયા સામે એડિલેડમાં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે અંતિમ મેચ રાવલપિંડીમાં પાકિસ્તાન સામે રમ્યો હતો.

ફાફ ડૂ પ્લેસીસ એ ટેસ્ટ ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરતા લખ્યુ હતુ કે, મારા ઇરાદા કિલયર છે. મને લાગે છે કે, આ જ યોગ્ય સમય છે કે હું આ ફોર્મેટ છોડીને નવા અધ્યાયની શરુઆત કરુ.

ડુપ્લેસીસે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦.૦૨ ની સરેરાશ થી ૪૧૬૩ રન બનાવ્યા છે. તેણે ૧૦ સદી અને ૨૧ ફીફટી લગાવી છે. ડૂ પ્લેસીસનુ કેરિયર ૮ વર્ષ સુધી ચાલ્યુ. આ દરમ્યાન તેનો સૌથી વધુ સ્કોર ૧૯૯ રનનો રહ્યો હતો. જે તેમે શ્રીલંકા સામે ગત વર્ષે ડિસેમ્બર માસમાં જ સેંચ્યુરિયન ટેસ્ટમાં બનાવ્યા હતા. ડૂ પ્લેસીસ એ સાઉથ આફ્રિકા માટે ૩૬ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ પણ કરી હતી.

(4:21 pm IST)