ખેલ-જગત
News of Friday, 17th January 2020

રાજકોટમાં બીજી વનડેમાં ભારતનો 36 રને શાનદાર વિજય : ઓસ્ટ્રેલિયા 304રનમાં ઓલઆઉટ : શમીએ ત્રણ વિકેટ ઝડપી

શિખર ધવને 96 રન ફટકાર્યા : કે,એલ રાહુલે 80 અને વિરાટ કોહલીએ 78 રન ઝૂડ્યા: ત્રણ મેચની શ્રેણી સરભર

રાજકોટઃ ભારતે ઓસ્ટ્રેલિયાને રાજકોટમાં રમાયેલી બીજી વનડે મેચમાં રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી મેળવી લીધી છે. હવે સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (80), શિખર ધવન (96) અને કેપ્ટન વિરાટ કોહલી (78)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સૌથી વધુ 98 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ ત્રણ, જાડેજા, કુલદીપ અને શૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી

મુંબઈ વનડેમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર આ મેચમાં કોઈ કમાલ કરી શક્યા નથી. ડેવિડ વોર્નર માત્ર 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. મનીષ પાંડેએ હવામાં ઉડીને એક હાથે કેચ ઝડપ્યો હતો. તો કાંગારૂ કેપ્ટન આરોન ફિન્ચ 33 રન બનાવી જાડેજાની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ એક સમયે 82 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અનુભવી સ્ટીવ સ્મિથ અને પોતાની બીજી વનડે રમી રહેલા માર્નસ લાબુશેને ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. લાબુશેન 46 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. સ્ટીવ સ્મિથ 98 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. સ્મિથે 102 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ઈનિંગની 38મી ઓવરમાં કુલદીપ યાદવે એક જ ઓવરમાં સ્મિથ અને કેરીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ મોહમ્મદ શમીએ એશ્ટોન ટર્નર અને પેટ કમિન્સને બે બોલમાં બોલ્ડ કર્યા હતા. શમીને આ મેચમાં હેટ્રિકની તક પણ મળી હતી. નવદીપ સૈનીએ પણ એક ઓવરમાં એશ્ટન અગર (25) અને મિશેલ સ્ટાર્ક (6)ને આઉટ કર્યાં હતા.
ભારતના બંન્ને સ્પિનર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બે-બે સફળતા મળી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 65 રન આપીને બે તો જાડેજાએ 10 ઓવરમાં 58 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નવદીપ સૈનીએ પણ 10 ઓવરમાં 62 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમી પર ઓસ્ટ્રેલિયાએ ખુબ પ્રહાર કર્યાં હતા. શમીએ પોતાની 10 ઓવરમાં 77 રન આપ્યા હતા. શમીને ત્રણ સફળતા પણ મળી હતી

(9:49 pm IST)