ખેલ-જગત
News of Thursday, 17th January 2019

ભારતીય ટીમમાં ધોનીના પ્રદાનને આંકડામાં મૂલવી ન શકાય : મેદાન પર તેની હાજરી માત્ર હરીફોને હતાશ કરનારી :ગાવસ્કર

કોહલી ફિલ્ડિંગ ભરવા ડિપમાં જાય છે,ત્યારે ટીમના ફિલ્ડિંગ પ્લેસમેન્ટની જવાબદારી ધોની સંભાળે છે

મુંબઈ :છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બનેલા ધોનીને વન ડે ટીમમાંથી પણ પડતો મૂકવો જોઈએ તેવી ચર્ચા શરૃ થઈ હતી. જોકે ધોનીએ ટીકાકારોને જવાબ આપતાં ચાલુ વર્ષની બંને વન ડેમાં અડધી સદી ફટકારી હતી. તેણે એડીલેડમાં તો અણનમ ૫૫ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી. ધોનીને આગવા ફોર્મમાં જોઈને ભારતીય ક્રિકેટ જગતમાં ખુશાલીની લહેર દોડી ગઈ છે. ભૂતપૂર્વ કેપ્ટન ગાવસ્કરે તેના વખાણ કરતાં કહ્યું હતુ કે, ટીમ ઈન્ડિયામાં ધોનીના પ્રદાનને આંકડામાં મૂલવી ન શકાય. મેદાન પર તેની હાજરી માત્ર હરિફોને હતાશ કરનારી બની રહે છે.

ગાવસ્કરે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બધાને પ્રાર્થના કરતો રહું છું કે, તમે ધોનીને એકલો છોડી દો. મને વિશ્વાસ છે કે, તે સતત સારો દેખાવ કરતો રહેશે. તે હવે યુવાન થઈ શકે તેમ નથી, જેના કારણે તેણે અગાઉના વર્ષોમાં દાખવેલો સાતત્યભર્યો દેખાવ કદાચ હવે જોવા ન મળે.

નોંધપાત્ર છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જે પ્રકારે રિષભ પંતે શાનદાર દેખાવ કરતાં બેટીંગ અને વિકેટકિપિંગમાં કમાલ કર્યો હતો, તેના કારણે વન ડે ટીમમાં પણ તેને સામેલ કરવા દબાણ સર્જાયું હતુ. ભારતીય ટીમના ચીફ સિલેક્ટરે જાહેરાત કરવી પડી હતી કે, પંત અમારા વર્લ્ડ કપના આયોજનમાં સામેલ છે.

  જોકે ગાવસ્કરે કહ્યું હતુ કે, ધોનીના ટીમમાં પ્રદાનને માત્ર બેટીંગ કે વિકેટકિપિંગના આંકડાથી જોવું યોગ્ય નથી. તેનું મૂલ્ય આંકડામાં ન આંકી શકાય તે વિકેટની પાછળ રહીને મેચની પરિસ્થિતનું અસરકારક આકલન કરે છે. તે સતત બોલરોને ફિડબેક આપતો રહે છે અને તેમને ક્યાં બોલિંગ કરવી જોઈએ તેની ભલામણ પણ કરતો રહે છે. આ ઉપરાંત તે ફિલ્ડિંગ ગોઠવવામાં પણ કેપ્ટન કોહલીને મદદ કરે છે.

  લેજન્ડરી બેટ્સમેને ઊમેર્યું કે, જ્યારે કેપ્ટન કોહલી ફિલ્ડિંગ ભરવા માટે ડિપમાં જાય છે,ત્યારે ટીમના ફિલ્ડિંગ પ્લેસમેન્ટની જવાબદારી ધોની સંભાળે છે. આવી ઘણી બાબતોમાં કોહલી ધોની પર આંચો મિચીને ભરોસો કરે છે અને ધોની તેને ક્યારેય નિરાશ કરતો નથી. આવી સ્થિતિમાં માત્ર તેના રનના આંકડા કે વિકેટકિપિંગના પર્ફોમન્સને જોયા કરવાથી કોઈને સાચી સ્થિતિ સમજાતી નથી.

(9:23 pm IST)