ખેલ-જગત
News of Friday, 16th November 2018

પંકજ અડવાણીએ સતત જીત્યું ત્રીજું આઈબીએસએફ બિલિયર્ડ્સ ટાઇટલ

નવી દિલ્હી:ભારતના દિગ્ગજ ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ ગુરુવારે ૧૫૦-અપ ફોર્મેટમાં પોતાનું સતત ત્રીજું આઈબીએસએફ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યું હતું જેનાથી તેના કુલ વર્લ્ડ ટાઇટલની સંખ્યા ૨૦ થઈ ગઈ છે. બેંગ્લુરૂના ૩૩ વર્ષીય પંકજ અડવાણીએ રોમાંચક ફાઇનલ મેચમાં મ્યાનમારના નાથ થ્વાયઓને પરાજય આપ્યો હતો. અડવાણી ૧૫૦-અપ ફોર્મેટનું ટાઇટલ જીત્યા બાદ હવે લાંબા ફોર્મેટમાં પણ ભાગ લેશે. પંકજે આ પહેલાં ૨૦૧૬માં તેના હોમ ટાઉન બેંગ્લુરૂમાં અને ગત વર્ષે દોહામાં પણ આ ટાઇટલ જીત્યું હતું.અડવાણીએ ફાઇનલમાં નાથ થ્વાય ઓને ૬-૨ (૧૫૦-૨૧,૦-૧૫૧, ૧૫૧-૦,૪-૧૫૧, ૧૫૦-૮૧, ૧૫૧-૧૦૯,૧૫૧-૦)થી જીત મેળવી હતી. પંકજ અડવાણીએ ટૂર્નામેન્ટમાં ગ્રૂપમાં એકેય ફ્રેમ ગુમાવ્યા વિના ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે આ ટૂર્નામેન્ટમાં ત્રણ ફ્રેમ ગુમાવી હતી. એક તેણે ક્વાર્ટર ફાઇનલમાં ધ્વજ સામે અને બે ફ્રેમ ફાઇનલમાં હાર્યો હતો. નાથ થ્વાય ઓ ફાઇનલમાં હાર્યો છતાં તેના દેશ માટે આ ગૌરવશાળી પળ હતી કારણ કે, મ્યાનમારનો કોઈ ખેલાડી પ્રથમ વખત ટાઇટલ મુકાબલામાં રમી રહ્યો હતો. નાથ થ્વાય ઓએ સેમિફાઇનલમાં ઘણી વખતના ચેમ્પિયન માઇક રસેલને ૫-૨થી હાર આપી હતી.ફાઇનલમાં નાથ થ્વાય ઓને હોમ ક્રાઉડનો સપોર્ટ હતો પરંતુ તેની પાસે અનુભવની કમી હતી જે ફાઇનલમાં તેની પાસે અનુભવની કમી જોવા મળી હતી. જેને કારણે તે સેમિફાઇનલમાં કરેલા દેખાવને ફાઇનલમાં પંકજ સામે દોહરાવી શક્યો નહોતો.ટાઇટલ જીત્યા બાદ પંકજ અડવાણીએ કહ્યું કે, આ ટાઇટલ મારા માટે વિશેષ છે. આ પરફેક્ટ ૨૦ થયા છે અને હજુ વધુ ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરીશ.

(3:58 pm IST)