ખેલ-જગત
News of Friday, 16th November 2018

બાંગ્લાદેશ જિમ્બામ્બે સામે ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર

નવી દિલ્હી:સ્પિનર મહેંદી હસન મિરાઝે ૩૮ રનમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવતા બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને બીજી ટેસ્ટમાં ૨૧૮ રનથી પરાજય આપ્યો હતો. આ સાથે બાંગ્લાદેશે ઘરઆંગણે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. જીતવા માટેના ૪૪૩ના ટાર્ગેટની સામે ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગ આજે પાંચમા અને આખરી દિવસે ૨૨૪ રનમાં સમેટાઈ હતી.ઝિમ્બાબ્વે તરફથી બ્રેન્ડન ટેલરે જબરજસ્ત લડત આપતાં અણનમ ૧૦૬ રન ફટકાર્યા હતા. જોકે તેને સામેના છેડેથી સાથ મળી શક્યો નહતો. જેના કારણે ઝિમ્બાબ્વે ઐતિહાસિક શ્રેણી વિજયની તક ચૂકી ગયું હતુ. બાંગ્લાદેશ ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની હારના કલંકમાંથી બચી ગયું હતુ. બાંગ્લાદેશના બેટ્સમેન રહીમને અણનમ ૨૧૯ રનની ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તૈજુલ ઈસ્લામને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમે ગઈકાલના ૭૬/૨ના સ્કોરથી આગળ રમતાં આજે વધુ ૧૪૮ રન ઊમેરતાં બાકીની આઠ વિકેટ ગુમાવી હતી. બ્રેન્ડન ટેલર સિવાયનો કોઈ બેટ્સમેન પીચ પર ટકીને રમી શક્યો નહતો. ટેલરે ૧૬૭ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે અણનમ ૧૦૬ રન ફટકાર્યા હતા. જ્યારે શ્રીલંકન સ્પિનર મિરાઝે શાનદાર દેખાવ કરતાં ૧૮.૧-૫-૩૮-૫ની મેજિકલ ફિગર્સ મેળવી હતી. તેના સહારે બાંગ્લાદેશે ખુબ જ આસાનીથી વિજય મેળવ્યો હતો. 

(3:55 pm IST)