ખેલ-જગત
News of Tuesday, 16th July 2019

રોહિત શર્માને બદલે કેન વિલિયમ્સન કેમ બન્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ?

રોહિતે ટુર્નામેન્ટમાં કુલ ૬૪૮ રન બનાવેલા : વિલિયમ્સનની કેપ્ટન્સીએ વિરોધી ટીમને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી

લંડન : ન્યુ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ - ૨૦૧૯નો પ્લેયરઓફ ધ ટુર્નામેન્ટ ચૂંટ્યો છે. ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જયારે વિલિયમસનના નામની જાહેરાત થઈ ત્યારે અનેક લોકો ચોંકી ઊઠ્યા હતા. વિલિયમસને ૧૦ મેચમાં ૮૨.૫૭ની એવરેજથી ૫૭૮ રન કર્યા હતા અને બે સેન્ચુરી તથા પાંચ ફિફ્ટી ફટકારી છે તથા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર પ્લેયરના લિસ્ટમાં ચોથા ક્રમે છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવામાં તેણે ભારતના રોહિત શર્મા, ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને બંગલા દેશના શાકિબ-અલ-હસનને પાછળ છોડી દીધા છે. વિલિયમસનના નામની જાહેરાત જયારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે થઈ ત્યારે જણાવવામાં આવ્યું કે તેણે ૫૭૮ રન કરવા ઉપરાંત ખૂબ સારી કેપ્ટન્સી કરી છે અને એને કારણે જ ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી હતી.

વિલિયમસન વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં બે વાર મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. તેને આઇસીસીની સ્વતંત્ર પેનલે આ ટાઇટલ માટે પસંદ કર્યો છે. ટુર્નામેન્ટની અનેક મેચમાં વિલિયમસનની કેપ્ટન્સીએ વિરોધી ટીમને પછાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે એ કારણસર આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬૪૮ રન બનાવનાર રોહિત શર્મા પર વિલિયમસન ભારે પડી ગયો હતો.

(3:18 pm IST)