ખેલ-જગત
News of Wednesday, 16th June 2021

વિરાટ કોહલીની નજર ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડવા તરફઃ સદી ફટકારે તો સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી બની જશે

નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે કમર કસી લીધી છે. 18થી 22 જૂન સુધી સાઉથમ્પટનમાં થનારી આ મેચમાં ફેન્સની નજર કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની સાથે કોહલીની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ સુવર્ણ તક છે.

કયો રેકોર્ડ બનાવશે કોહલી:

ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારતાંની સાથે જ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી બની જશે. આ મામલે તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. કેપ્ટન પોન્ટિંગ અને કોહલી બંનેની 41 સદી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 200 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.આ દરમિયાન કોહલીએ 62.33ની એવરેજથી 12343 રન બનાવ્યા. જેમાં 41 સદી અને 54 અર્ધસદી છે. રિકી પોન્ટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેણે 45.54ની એવરેજથી 15440 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન તરીકે પોન્ટિંગે 41 સદી અને 88 અર્ધસદી ફટકારી હતી.

શું પોન્ટિંગને ઓવરટેક કરશે કોહલી:

વિરાટ કોહલી પાસે ફાઈનલવમાં સદી ફટકારીને પોનિંગની બરોબરી કરવાની તક રહેશે. પોન્ટિંગ 71 સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં બીજા નંબરે છે. વિરાટ કોહલીના ખાતામાં 70 સદી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ટેસ્ટમાં 27 અને વનડે ઈન્ટરનેશનલમાં 43 સદી ફટકારી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિને પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી હતી. સચિન ટેસ્ટમાં 51 અને વન-ડે ઈન્ટરનેશનલમાં 49 સદી ફટકારી હતી.

કોહલીએ 2019માં ફટકારી હતી છેલ્લી સદી:

કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતામાં 136 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ સદી પછી કોહલીએ ત્રણેય ફોર્મેટ એટલે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલની કુલ 44 ઈનિંગ્સમાં 1646 રન બનાવ્યા. જેમાં 17 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની એવરેજ 43.31ની રહી. જે તેની કારકિર્દીની એવરેજ 55.78 સામે બિલકુલ ઓછી છે.

શું સદીનો દુકાળ પૂરો થશે:

કોહલીને આ પહેલાં બે વખત સદી માટે લાંબી રાહ જોવી પડી હતી. 2011માં ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી 24 ઈનિંગ્સમાં કોહલી સદી ફટકારી શક્યો નથી. 2014માં ફેબ્રુઆરીથી લઈને ઓક્ટોબર સુધી 25 ઈનિંગ્સમાં તે સદી ફટકારી શક્યો ન હતો. પરંતુ 2008માં ડેબ્યુ કર્યા પછી 2020 એવું વર્ષ રહ્યું, જ્યાં કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી. 

(4:40 pm IST)