ખેલ-જગત
News of Tuesday, 16th April 2019

એટીપી રેન્કિંગમાં ભારતના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન ટોપ-100માં

નવી દિલ્હી: ભારતના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવતાં સોમવારે જાહેર થયેલી એટીપી રેન્કિંગમાં ૮૦મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે મહિલા સિંગલ્સમાં ભારતીય ખેલાડી અંકિતા રૈના ૨૩ સ્થાનની છલાંગ લાગાવી ફરી ટોપ-૨૦૦માં પહોંચી ગઈ છે. ચેન્નઈના ૨૯ વર્ષીય ગુણેશ્વરન આ વર્ષે ફેબ્રુઆરીમાં ટોપ-૧૦૦માં પહોંચ્યો હતો. પ્રજનેશ ઈન્ડિયન વેલ્સ એટીપી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. તે મિયામી ઓપનના મુખ્ય ડ્રોમાં પણ પહોંચ્યો હતો જેનો તેને ફાયદો થયો હતો. ભારતના અન્ય એક સિંગલ ખેલાડી રામકુમાર રામનાથનને ૧૬ સ્થાનનું નુકસાન થતાં ટોપ ૧૫૦માંથી બહાર થઈ ગયો છે. તે હવે ૧૫૭મા સ્થાને છે.મહિલા સિંગલ્સમાં અંકિતા રૈનાએ ૨૩ સ્થાનની છલાંગ લગાવી૧૮૦મા ક્રમે પહોંચી ગઈ છે. આ પહેલાં તે ૨૦૩ ક્રમાંકે હતી. હવે તેના ૩૩૩ રેટિંગ પોઇન્ટ છે. મહિલાઓમાં અંકિતા સિવાય એકેય ભારતીય ખેલાડી ટોપ-૨૦૦માં સામેલ નથી. કરમન કૌર થાંડી ૨૧૩મા ક્રમે છે જ્યારે પ્રાંજલા યાદલાપલ્લી ૨૮૯મા સ્થાને છે. પુરુષ અને મહિલા સિંગલ્સના ટોપ-૧૫માં કોઈ બદલાવ થયો નથી. પુરુષ સિંગલ્સમાં ર્સિબયાનો નોવાક જોકોવિચ પ્રથમ સ્થાને જ્યારે રફેલ નડાલ બીજા સ્થાને છે. એલેક્ઝાન્ડર ઝવેરેવ ત્રીજા, રોજર ફેડરર ચોથા ક્રમે અને ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિયામ પાંચમા ક્રમે છે. મહિલા સિંગલ્સમાં જાપાનની નાઓમી ઓસાકા પ્રથમ સ્થાને છે. રોમાનિયાની સિમોના હાલેપ બીજા, ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવા ત્રીજા અને કેરોલિના પ્લિસ્કોવા ચોથા ક્રમે છે. જર્મનીની એન્જેલિક કાર્બેર પાંચમા સ્થાને યથાવત્ છે.

(5:13 pm IST)