ખેલ-જગત
News of Wednesday, 16th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ દિગ્ગ્જ ખેલાડીઓની આગેકૂચ

નવી દિલ્હી: ટેનિસની નવી સિઝનના પ્રારંભની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વર્લ્ડ નંબર વન અને ટોપ સીડ સર્બિયન સ્ટાર યોકોવિચની સાથે સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સ્વિસ લેજન્ડ ફેડરર તેમજ સ્પેનિશ સ્ટાર નડાલે વિજયી શુભારંભ કર્યો હતો. જ્યારે ઈજાના કારણે હવે ગ્રાન્ડ સ્લેમ રમવા માટે અનિશ્ચિત મનાતા એન્ડી મરનેે પ્રથમ રાઉન્ડમાં પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડયો હતો. મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે ૬-૩,૬-૨, ૬-૨થી અમેરિકાના ક્વોલિફાયર ક્રુગેરને હરાવ્યો હતો. જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફેડરરે ઉઝબેકિસ્તાનના ઇસ્ટોમિનને ૬-૩, ૬-૪, ૬-૪થી પરાજય આપતાં આગેકૂચ કરી હતી. નડાલે ઓસ્ટ્રેલિયન ક્વોલિફાયર ડકવર્થને ૬-૪, ૬-૩,૭-૫થી બહાર કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનારે ૬-૪, ૭-૫, ૬-૪થી પોર્ટુગલના સોઉસાને અને ક્રોએશિયાના મરિન સિલીકે ઓસ્ટ્રેલિયાના બર્નાર્ડ ટોમિચને ૬-૨, ૬-૪, ૭-૬ (૭-૩)થી પરાજય આપ્યો હતો.જ્યારે અમેરિકાના ૧૦૨માં ક્રમાંકિત ઓપેલ્કાએ ૭-૬ (૭-૪), ૭-૬ (૮-૬), ૬-૭ (૪-૭), ૭-૬ (૭-૫)થી ૧૦મો ક્રમાંક ધરાવતા ૯માં સીડેડ અમેરિકન ખેલાડી જોન આઇસનરે પ્રથમ રાઉન્ડમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને ફ્રાન્સના મેનારિનોને ૬-૩, ૫-૭, ૬-૨, ૬-૧થી અને ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચે બ્રિટનના કાયલ એડમંડને ૬-૩,૬-૦, ૭-૫થી પરાજીત કર્યો હતો. એન્ડી મરેને સ્પેનના એગ્યુટે ૬-૪, ૬-૪, ૬-૭ (૫-૭), ૬-૭ (૪-૭), ૬-૨થી હરાવ્યો હતો. આજે રમાયેલી મહત્વની મેચમાં જર્મનીના ઝ્વેરેવે ૬-૪, ૬-૧, ૬-૪થી સર્બિયાના બેડેનને હરાવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસ સામે કેનેડાના રાઓનિકે ૬-૪, ૭-૬ (૭-૫), ૬-૪થી મહત્વપૂર્ણ જીત મેળવી હતી. વાવરિન્કા સામેની મેચમાં લાતેવિયાનો ગુલ્બિસ પ્રથમ સેટ ૩-૬ થી જીત્યા બાદ બીજા સેટમાં ૩-૧થી પાછળ હતો, ત્યારે ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો, જેના કારણે વાવરિન્કાએ આગેકૂચ કરી હતી. 

(6:39 pm IST)