ખેલ-જગત
News of Wednesday, 16th January 2019

ઓસ્‍ટ્રેલિયાથી પરત આવ્યા બાદ હાર્દિક પંડ્યા ભારે હતાશઃ ઘરની બહાર નથી નીકળ્યો અને સંક્રાંતની ઊજવણી પણ ન કરી

 

Photo: 199462-338955-hardik-pandya-pti-1908-02

અમદાવાદઃ એક ટીવી શો પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ સસ્પેન્ડ થનાર  ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી રહી છે. પહેલા તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો હતો. પરંતુ તેની સજા હજુ પૂરી થઈ નથી. તે માત્ર તપાસ પૂર્ણ થયા સુધી સસ્પેન્ડ રહેશે ત્યારબાદ સજાનો નિર્ણય કરવામાં આવશે. ટીમમાંથી સસ્પેન્ડ થયા બાદ તેના સ્પોન્સર્સે પણ ઘણા કરારો રદ્દ કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત આવ્યા બાદ તે ઘરની બહાર નિકળ્યો નથી.

મહત્વનું છે કે, કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી દીધા છે. બંન્ને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી પરત ભારત આવી ગયા છે. હાલમાં હાર્દિક પંડ્યા વડોદરામાં છે.

હાર્દિકના પિતા હિમાશું પંડ્યાએ જણાવ્યું કે, જ્યારથી હાર્દિક ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો છે, ત્યારથી તે ઘરની બહાર નિકળ્યો નથી. તે કોઈના ફોન કોલ પણ રિસીવ કરતો નથી. હિંમાશું પંડ્યાએ જણાવ્યા પ્રમાણે, હાર્દિકે મકર સંક્રાતિનો તહેવાર પણ મનાવ્યો નથી. હાર્દિક દર વખતે સંક્રાતમાં જ્યારે ઘરે આવે છે તો પતંગ પણ ચગાવે છે. આ વખતે તેણે પતંગ ન ચગાવી જ્યારે તેને પતંગ ઉડાળવાનું ખૂબ પસંદ છે.

આ પહેલા બ્રાન્ડ્સ અને કંપનીઓએ પણ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પાસેથી કરાર તોડી નાખ્યા છે. હાર્દિક પંડ્યાનો જીલેટ કંપની સાથે કરાર હતો. હવે જીલેટે હાર્દિક પંડ્યા સાથે ઔપચારિક રીતે નાતો તોડી દીધો છે. આ બંન્ને ક્રિકેટરોએ મહિલાઓ પર કરેલી ટિપ્પણીને લઈને તપાસ પણ શરૂ થઈ ગઈ છે. હાર્દિક અને રાહુલે મંગળવારે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી સામે પોતાનો પક્ષ રાખ્યો હતો.

ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડેડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિકની મેમ્બરશિપ રદ્દ કરી દીધી છે. આ ક્લબના સંયુક્ત સચિવ ગૌરવ કપાડિયાએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મેનેજિંગ કમિટિની સોમવારે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ મેમ્બરશિપ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(5:32 pm IST)