ખેલ-જગત
News of Friday, 15th November 2019

આઠ મહિના બાદ પૃથ્વી શો ની મેદાનમાં વાપસી :મુંબઈની ટીમમાં સામેલ કરાયો

ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ થવાને કારણે આઠ માસનો લાગેલ પ્રતિબંધ સમાપ્ત

મુંબઈ : ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાના કારણે પૃથ્વી શો પર લાગેલ ૮ મહિનાનો પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે. યુવા બેટ્સમેન પૃથ્વી શોને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ માટે મુંબઈની ૧૫ સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમ છતાં તે ૧૭ નવેમ્બરથી જ ટીમમાં ભાગ બની શકશે. આ અગાઉ બાંગ્લાદેશ સામે ટી-૨૦ સીરીઝ સમાપ્ત કરી શ્રેયસ અય્યર, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર પણ મુંબઈની ટીમમાં જોડાઈ ચુક્યા છે.

બીસીસીઆઈએ માર્ચમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ડોપિંગ ટેસ્ટમાં પોઝીટીવ સાબિત થયા બાદ જુલાઈમાં પૃથ્વી શોને આઠ મહિના માટે ક્રિકેટના બધા ફોર્મેટથી પ્રતિબંધિત કરી દીધા હતા. આ પ્રતિબંધ શુક્રવારે સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, ડોપિંગ ટેસ્ટમાં પૃથ્વી શોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત ખરાબ હોવા અપર પિતાએ કફ સીરપ આપી હતી. જેના કારણે ડોપિંગ ટેસ્ટમાં તે ફેલ થઈ ગયા હતા.

તમામ સ્ટાર ખેલાડીઓથી ભરેલી મુંબઈની ટીમ પોતાની અંતિમ લીગ મેચ ૧૭ નવેમ્બરના અસમથી રમશે. ટીમના કેપ્ટન સૂર્ય કુમાર યાદવ શાનદાર ફોર્મ જાળવી રાખતા પોતાની ટીમને જીત પર જીત અપાવી રહ્યા છે. અત્યાર સુધી રમેલી પાંચ મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

પૃથ્વી શોએ ભારત માટે અત્યારે માત્ર બે ટેસ્ટ મેચ રમી છે. આ બે મેચની ત્રણ ઇનિંગમાં ૧૧૮.૫૦ ની એવરજથી ૨૩૭ રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરીઝમાં તેમને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે માટે તેમને ટીમમાં જગ્યા મળી હતી. અભ્યાસ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ ફિલ્ડીંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેના કારણે તે બહાર થઈ ગયા હતા. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પહેલા ડોપિંગના દોષિત હોવાના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

(12:05 pm IST)