ખેલ-જગત
News of Friday, 15th November 2019

વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને ૩૦ રનથી હરાવ્યું

મેન ઓફ ધ મેચ કેરોન પોલારડે ૨૨ બોલમાં અણનમ ૩૨ રન ફટકાર્યા

મુંબઈ : કેપ્ટન કેરોન પોલાર્ડની ઓલરાઉન્ડર રમત અને ઇવિન લુઇસની શાનદાર અડધી સદીના આધારે વેસ્ટ ઇન્ડીઝે લખનૌમાં રમાયેલ પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાનને ૩૦ રનથી હરાવી દીધું હતું. તેની સાથે જ વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની સીરીઝમાં ૧-૦ ની લીડ બનાવી લીધી છે.

વેસ્ટ ઇન્ડીઝથી જીત માટે મળેલા ૧૬૫ રનના ટાર્ગેટના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૪ રન બનાવ્યા હતા. જેના કારણે તેને વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૦ રનથી હારનો સામનો કરવો પડયો હતો. કેરોન પોલાર્ડને તેમને શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા

ટોસ હારી બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૬૪ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ઇવિન લુઇસે સર્વાધિક ૬૮ રન બનાવ્યા, ૪૧ બોલની આ ઇનિંગમાં તેમને ૪ ચોગ્ગા અને ૬ સિક્સર ફટકારી હતી. તેના સિવાય કેરોન પોલારડે ૨૨ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી અણનમ ૩૨ રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાન માટે ગુલાબદ્દીન નાયબે ૨, જ્યારે રાશીદ ખાન, મુજીબ ઉર રહેમાન અને નવીન ઉલ હકે ૧-૧ વિકેટ પ્રાપ્ત કરી હતી.

જીતના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેમની ટીમના બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. જયારે નજીબઉલ્લાહ જારદાને સર્વાધિક ૨૭ રન બનાવ્યા હતા. ટીમના ૭ બેટ્સમેન તો ડબલ આંકડાને પણ પ્રાપ્ત કરી શક્યા નહોતા.

વેસ્ટ ઇન્ડીઝ માટે કેસરીક વિલિયમ્સને ૩ વિકેટ, કેરોન પોલાર્ડ અને હેડન વોલ્શે ૨-૨, જ્યારે કેરોન પોલાર્ડ અને શેલ્ડન કોટરેલે ૧-૧ વિકેટ પ્રાપ્ત કરી હતી.

(12:04 pm IST)