ખેલ-જગત
News of Tuesday, 15th September 2020

વર્લ્ડ બેડમિંટન ફેડરેશનનો મોટો નિર્ણંય : થોમસ અને ઉબેર કપને મુલતવી રાખ્યો

ઘણાં દેશો સ્પર્ધામાંથી હટી જતા નિર્ણય : ભારતીય બેડમીન્ટન સ્ટાર સિંધુ પણ ખસી ગઇ હતી

વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (BWF) એ બેડમિન્ટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, ત્યારબાદ આવતા મહિને થોમસ અને ઉબેર કપથી ઘણા દેશોએ પાછા હટી જવાને લઇને આ નિર્ણય લેવાયો છે. થોમસ અને ઉબર કપ ડેનમાર્કમાં આવતા મહિને ત્રીજી થી અગીયાર ઓક્ટોબર સુધી યોજાવાનો હતો.

   આ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ, કોવિડ -19 રોગચાળા પછી પ્રથમ વખત ટોચના કક્ષાની બેડમિંટન ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેડમિંટન વર્લ્ડ ફેડરેશન હોસ્ટ બેડમિંટન ડેનમાર્કની સંમતિથી થોમસ અને ઉબેર કપ 2020 મુલતવી રાખવા માટે કઠીન નિર્ણય લઈ રહ્યો છે. આ નિર્ણય અનેક હરીફ ટીમોના નામ પાછા ખેંચાવાના કારણે લેવામાં આવ્યો છે. સુધારેલા બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂરના યુરોપિયન તબક્કાને કારણે, હવે 2021 પહેલાં વૈકલ્પિક કાર્યક્રમો બનાવવાનું મુશ્કેલ છે.

ગત શુક્રવારે ઈન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયા, ચીની તાઈપેઈ, થાઇલેન્ડ અને હોંગકોંગની ટીમોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ પણ થોમસ અને ઉબેર કપમાં ભારતીય આગેવાની લેવાની હતી, પરંતુ સિંધુ એ અંગત કારણોસર ટૂર્નામેન્ટ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતુ.

બીડબ્લ્યુએફએ જણાવ્યું છે કે, ડેનમાર્ક ઓપન 13 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે 20 થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ડેનમાર્ક માસ્ટર્સને પણ રદ કરવામાં આવ્યા છે. સિંધુ અને ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત આવતા મહિને થોમસ અને ઉબેર કપ ફાઈનલમાં ભારતની 20 સભ્યોની બેડમિંટન ટીમનું નેતૃત્વ કરવાના હતા. થોમસ કપમાં ભારત ગ્રુપ સીમાં ડેનમાર્ક, જર્મની અને અલ્જેરિયા સાથે હતું. કોરોનાવાયરસને કારણે, આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટ્સ રદ અથવા મુલતવી રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી નામ પાછા ખેંચી રહ્યા છે.

(8:29 pm IST)