ખેલ-જગત
News of Thursday, 15th April 2021

ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરીયાઍ આઇપીઍલમાં પદાર્પણ કર્યા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે ડેટ ઉપર જવાની ઇચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલાસૌરાષ્ટ્રના ચેતન સાકરિયાએ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે  સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાકરિયાએ સોમવારે આઈપીએલમાં પર્દાપણ કર્યુ હતું. તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ ત્રણ વિકેટ ઝડપી હતી.

સાકરિયાએ પર્દાપણ આઈપીએલ મેચમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી

સાકરિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં  રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 31 રન આપી પંજાબના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રાજસ્થાને સાકરિયાને આઈપીએલ ઓક્શનમાં 1.20 કરોડમાં પોતાની સાથે જોડ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફાસ્ટ બોલર આકાશ સિંહ અને ચેતન સાકરિયા મસ્તીભર્યા અંદાજમાં એક બીજાનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં છે.

યુવરાજ સિંહને આદર્શ માને છે સાકરિયા

વીડિયોમાં ચેતન જણાવે છે કે યુવરાજ સિંહ તેનો આઇડલ છે. ચેતને કહ્યુ કે, બાળપણમાં જે સિક્સ ફટકારતા હતા તેને પસંદ કરવામાં આવતા હતા. તેથી તે યુવીને પસંદ કરતો હતો. સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમનાર સાકરિયાએ કહ્યુ કે, તેણે બેટ્સમેન તરીકે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું.

અનન્યા પાંડે માટે કહી આ વાત

આકાશ સિંહે જ્યારે ચેતનને પૂછ્યુ કે તે કઈ બોલીવુડ અભિનેત્રીને ડેટ પર લઈ જવા ઈચ્છે છે તો બોલરે જવાબમાં અનન્યા પાંડેનું નામ લીધુ. સાકરિયાએ કહ્યુ કે, તે ખુબ સુંદર છે અને અનન્યાની સાથે કોઈ બીચ પર કોફીની મજા લેવા ઈચ્છશે. રાજસ્થાન રોયલ્સ આઈપીએલમાં પોતાની બીજી મેચમાં ગુરૂવારે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ મુકાબલા દ્વારા ટીમ જીતનું ખાતુ ખોલવા ઈચ્છશે.

(4:31 pm IST)