ખેલ-જગત
News of Wednesday, 15th January 2020

ધો ડાલા... ટીમ ઈન્ડિયા ઉપર ભારે પડ્યા વોર્નર - ફીન્ચ

પ્રથમ વન-ડેમાં ભારતનો ઘોર પરાજય : બેટીંગ- બોલીંગમાં નિષ્ફળ

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ઇન્ડિયા-ઓંસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વન-ડે મેચ ભારતે ૧૦ વિકેટે ગુમાવી હતી. મહેમાન ટીમના ઓપનિંગ પ્લેયર ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે અનુક્રમે નોટઆઉટ ૧૨૮ અને ૧૧૦ રનની ઇનિંગ રમીને ૩૭.૪ ઓવરમાં સહેલાઈથી ર૫૬ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ડેવિડ વોર્નર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઇન્ડિયાને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી નહોતી રહી અને માત્ર ૧૩ રને રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બીજી વિકેટ માટે લોકેશ રાહુલ અને શિખર ધવન વચ્ચે ૧૨૧ રનની ભાગીદારી થઈ હતી, પણ જેવી આ પાર્ટનરશિપ તૂટી કે પછી કોઈ પ્લેયર લાંબી ઇનિંગ રમી નહોતો શકયો. ભારતીય ટીમ ૪૯.૧ ઓવરમાં રપપ રન કરીને પેવિલિયન ભેગી થઈ ગઈ હતી. વાનખેડેની આ બેટિંગ પિચ પર ૩૦૦થી વધુ રન શકય હતા ત્યારે કોહલીની ટીમ બેટિંગમાં નિષ્ફળ રહી હતી. કોહલી ત્રણ નંબરની જગ્યાએ ગઈ કાલે ચોથા નંબરે આવ્યો હતો. જો તેણે ત્રણ નંબર પર આવીને બેટિંગ કરી હોત તો ટીમને વધુ સારી રીતે કન્ટ્રોલ કરી શકયો હોત. રાહુલે ત્રણ નંબર પર સારી બેટિંગ કરી હતી, પરંતુ તેને ચાર નંબર પર પણ ઉતારી શકાયો હોત. ધવને સૌથી વધુ ૭૪ અને રાહુલે ૪૭ રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલી માત્ર ૧૬ રન કરીને એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો.

મિચેલ સ્ટાર્ક સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી, જયારે પેટ કમિન્સ, કેન રિચર્ડસને બે-બે વિકેટ અને એડમ ઝમ્પા તેમ જ એસ્ટન એગરને ૧-૧ વિકેટ મળી હતી.

ઇન્ડિયન ટીમ માટે કમબેક કરનારા રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ બન્ને પોતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. મહેમાન ટીમના બોલરો અને બેટ્સમેનો નોંધનીય પર્ફોર્મન્સ આપીને ભારતની જીતનો પતંગ કાપી ગયા હતા.

ઇન્ડિયન ટીમે આપેલા ર૫૬ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી જ ભારે પડી ગઈ હતી. અનેક રેકોર્ડ સાથે સમાપ્ત થયેલી આ મેચ હારી જતાં ભારતે ૨૦૨૦માં વન-ડેની શરૂઆત પરાજય સાથે કરી છે. બન્ને ટીમ વચ્ચે બીજી મેચ ૧૭મીએ રાજકોટમાં રમાશે.

રેકોર્ડ પર નજર કરીએ તો ભારતની ઘરઆંગણે ૧૦ વિકેટે થયેલી આ બીજી હાર છે. આ પહેલાં ઇન્ડિયા ૨૦૦૫માં કલકત્ત્।ામાં સાઉથ આફ્રિકા સામે ૧૦ વિકેટે હાર્યું હતું અને ગઈ કાલે બીજી વાર એ ઘરઆંગણે ૧૦ વિકેટે હાર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે એ પહેલી વાર ૧૦ વિકેટે હાર્યુ છે.

ભારત સામે વન-ડેમાં હાઈએસ્ટ ઓપનીંગ પાર્ટનરશીપ

રન

પ્લેયર

જગ્યા

વર્ષ

૨૫૮

એરોન ફિન્ચ ડેવિડ વોર્નર

મુંબઈ

૨૦૨૦

૨૩૫

ગેરી કસ્ટર્ન અને હર્ષિલ ગિબ્સ

કોચી

૨૦૦૦

૨૩૧

એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર

બેંગ્લોર

૨૦૧૭

૨૨૪

મોહમ્મદ હાફીઝ અને નાસીર જમશેદ

મીરપુર

૨૦૧૨

(3:32 pm IST)