ખેલ-જગત
News of Saturday, 14th December 2019

પૂર્વ વિકેટકિપર બાઉચરની સાઉથ આફ્રિકાની ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સોંપાઈ

સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે બાઉચરને વર્ષ ૨૦૨૩ સુધીનો કોન્ટ્રાક્ટ આપ્યો

જોહનીસબર્ગ:સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન માર્ક બાઉચરને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી સોંપી દેવાઈ છે. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે બાઉચરને વર્ષ ૨૦૨૩ સુધીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને હવે તે તાત્કાલીક અસરથી સાઉથ આફ્રિકાના ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી લેશે. સાઉથ આફ્રિકા ઘરઆંગણે પ્રવાસી ઈંગ્લેન્ડ સામે બોક્સિંગ ડે ટેસ્ટથી શ્રેણીનો પ્રારંભ કરશે.

  તાજેતરમાં પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડમાં ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે અને આ સાથે સાઉથ આફ્રિકાની ટીમના કોચિંગ સ્ટાફમાં મોટાપાયે ફેરફારોની શરૂઆત કરી દેવામાં આવી છે. બાઉચરને સીનિયરની ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે, તેના આસીસ્ટન્ટ કોચ તરીકે ઈનોચ એનક્વેને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ કેપ્ટન એશ્વેલ પ્રિન્સને સાઉથ આફ્રિકાની એ-ટીમના કોચ તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

સ્મિથે કહ્યું છે કે, મને લાગે છે કે, હાલના તબક્કે સાઉથ આફ્રિકાની ટીમને એવા કોચની જરુર છે કે, જેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ હોય. બાઉચર પાસે ક્રિકેટિંગ જ્ઞાાન છે અને તે ટેકનિકલી પણ સક્ષમ છે. ઈનોચની પાસે પણ સારું એવું ક્રિકેટિંગ નોલેજ છે. તેઓ બાઉચરને મદદરૂપ થઈ શકે તેમ છે. બાઉચર અને ગ્રીમ સ્મિથ આશરે એક દાયકા સુધી એક સાથે રમ્યા છે અને તેમના સમયમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો હતો.

ઈંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસમાં બોક્સિંગ ડેથી શરૂ થનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં રમશે. જ્યારે બીજી ટેસ્ટ જાન્યુઆરી ત્રીજી થી શરૂ થશે. આ પછી ત્રીજી ટેસ્ટ તારીખ ૧૬ જાન્યુઆરીથી અને ચોથી ટેસ્ટ તારીખ ૨૪ જાન્યુઆરીથી રમાશે.

(10:59 pm IST)