ખેલ-જગત
News of Thursday, 13th December 2018

ભારતની યુવા ખેલાડી માનિકા બત્રાને 'બેકથૂ્ર ટેબલ ટેનિસ સ્ટાર'નો એવોર્ડ એનાયત

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસની સર્વોચ્ચ સંસ્થા -આઇટીટીએફ-ના વાર્ષિક એવોર્ડ સમારંભમાં ભારતની યુવા ખેલાડી માનિકા બત્રાને 'બેકથૂ્ર ટેબલ ટેનિસ સ્ટાર'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં શાનદાર દેખાવ કરનારી માનિકા આ સન્માનની સાથે આઇટીટીએફના વાર્ષિક સમારંભમાં એવોર્ડ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. માનિકાએ આ એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે, હું આ એવોર્ડ સ્વીકારતા ખુબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહી છું. મને લાગે છે કે વર્ષ ૨૦૧૮ અત્યાર સુધીની મારી કારકિર્દીનું શ્રેષ્ઠ વર્ષ બની રહ્યું છે. મારી સિદ્ધિઓ પર મને ગર્વ છે. હું મારા પરિવારની સાથે સાથે મારી કારકિર્દીને આગળ ધપાવવામાં મદદ કરનારા તમામનો આભાર માનુ છું.ચાલુ વર્ષે યોજાયેલા ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં માનિકાના શાનદાર દેખાવને સહારે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઈતિહાસમાં પહેલી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. માનિકાએ વિજયી પર્ફોમન્સ જારી રાખતાં વિમેન્સ સિંગલ્સમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. તેણે વિમેન્સ ડબલ્સ ઈવેન્ટમાં સિલ્વર અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે માનિકાએ ચાલુ વર્ષે વર્લ્ડ રેન્કિંગમાં ૫૨મું સ્થાન હાંસલ કર્યું હતુ. આ સાથે તે ભારતની હાયર રેન્ક મહિલા ખેલાડી બની ગઈ હતી.

(7:17 pm IST)