ખેલ-જગત
News of Wednesday, 14th November 2018

ભારત ટેસ્‍ટ - સિરીઝ ૩-૧થી જીતશે

નેથન લાયન સારી લેન્‍ગ્‍થ પર બોલીંગ કરશે તો ભારતીય ટીમ માટે ખતરારૂપ : ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્‍પિનર એશ્‍લી મેલટે કરી ભવિષ્‍યવાણી

ભારત - ઓસ્‍ટ્રેલિયાના ૭૧ વર્ષના વિશાળ ટેસ્‍ટ ઈતિહાસમાં પહેલી વખત ભારત ઓસ્‍ટ્રેલિયાને ઓસ્‍ટ્રેલિયામાં ૩-૧થી હરાવી શકે છે, કારણ કે એક વર્ષના પ્રતિબંધને કારણે ભૂતપૂર્વ કેપ્‍ટન સ્‍ટીવન સ્‍મિથ અને ભૂતપૂર્વ વાઈસ કેપ્‍ટન ડેવિડ વોર્નર ટીમમાં નથી. ભારતનો ધારદાર પેસ અટેક અને જાડેજાના શાનદાર ફોર્મને કારણે બોલીંગ ડિપાર્ટમેન્‍ટ ઘણું મજબૂત છે. ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓફ સ્‍પિનર એશ્‍લી મેલટનું માનવું છે કે ભારત બોર્ડર - ગાવસ્‍કર ટ્રોફી ૩-૧થી જીતશે, પરંતુ ભારતને નેથન લાયન નડી શકે છે, કારણ કે દુનિયાના ઘણા બેટ્‍સમેનો તેની સામે પગનો ઉપયોગ સરળતાથી કરી શકતા.

લાયને ૨૦૧૪-'૧૫ની સીરીઝની પહેલી ટેસ્‍ટમાં ૧૨ વિકેટ લઇને ભારતને ૪૮ રને હરાવ્‍યુ હતું અને કોહલીની ટેસ્‍ટમાં બીજી સેન્‍ચુરી નકામી ગઈ હતી. જો લાયન સારી લેન્‍થ પર બોલીંગ કરશે તો ભારતને મુશ્‍કેલી થશે. મેલટ ૧૯૭૨માં ઈયાન ચેપલની કેપ્‍ટન્‍સીવાળી સૌથી કમજોર આંકવામાં આવેલી ઓસ્‍ટ્રેલિયન ટીમમાં હતો જેણે ઈંગ્‍લેન્‍ડનો પ્રવાસ ખેડયો હતો અને આ ટીમ સીરીઝ ૨-૨થી લેવલ કરવામાં સફળ થઈ હતી. મેલટ શેન વોર્ન પછી ઓસ્‍ટ્રેલિયાનો સૌથી સફળ સ્‍પિનર છે. જેણે ૮૦ ટેસ્‍ટમાં ૩૧૮ વિકેટ લીધી છે. તેણે ૧૯૬૯-'૭૦ની ભારત ટૂરમાં ૨૮ વિકેટ લઈને મન્‍સુર અલી ખાન પટૌડીની ટીમ સામે ૩-૧થી વિજય મેળવવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યુ હતું.

(4:42 pm IST)