ખેલ-જગત
News of Monday, 14th October 2019

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકાને છ રનથી હરાવ્યું : સિરીઝ 3-0થી કબ્જે

હરમનપ્રીત કૌરે સૌથી વધુ ૩૮ રન અને શિખા પાંડેએ ૩૫ રન ફટકાર્યા : એકતા બિષ્ટએ ત્રણ અને દીપ્તિ શર્મા- રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ ઝડપી

વડોદરા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રિલાયન્સ સ્ટેડીયમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં સાઉથ આફ્રિકા મહિલા ટીમને છ રનથી હરાવ્યું છે  સાથે જ ભારતે ત્રણ મેચની આ સીરીઝને ૩-૦ થી કબ્જે કરી છે  ભારતે બુધવારે પ્રથમ વનડેમાં ૮ વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી જયારે શુક્રવારે તેમને મહેમાન ટીમને પાંચ વિકેટથી હરાવ્યું હતું.

ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૪૫.૫ ઓવરમાં બધી વિકેટ ગુમાવી ૧૪૬ રન બનાવ્યા અને મહેમાન ટીમને ૧૪૦ રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. ભારત તરફથી હરમનપ્રીત કૌરે સૌથી વધુ  ૩૮ રન બનાવ્યા જ્યારે શિખા પાંડેએ ૩૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય પુનમ રાઉત (૧૫), કેપ્ટન મિતાલી રાજ (૧૧) અને માનસી જોશી (૧૨) જ ડબલ આંકડાને પ્રાપ્ત કરી શકી હતી.

સાઉથ આફ્રિકા તરફથી મેરિજાને કાપે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી જયારે શબનીમ ઈસ્માઈલ અને અયાબોંગા ખાકાને બે-બે સફળતા મળી હતી. જવાબમાં રમવા ઉતરેલી મહેમાન ટીમ ૪૮ ઓવરનો સામનો કરતા ૧૪૦ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તેમાં એકતા બિષ્ટનું મહત્વનું યોગદાન રહ્યું, જેને ૩૨ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ ૨૪ રન આપી બે અને રાજેશ્વરી ગાયકવાડે ૨૨ રન આપી બે સફળતા પ્રાપ્ત કરી હતી.

સાઉથ આફ્રિકા તરફથી લાઉરા વોલ્વાર્ટે ૨૩મ કેપ્ટન સુન લુસે ૨૪ અને કાપે ૨૯ રન બનાવ્યા હતા. બિષ્ટને વુમન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી જ્યારે કાપને વુમન ઓફ ધ સીરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો

(7:19 pm IST)