ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

આજે ગેઇલનો છેલ્લો વન-ડેઃ ટીમ ઇન્ડીયા સિરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે

સિરીઝના ભારત ૧-૦થી આગળઃ સાંજે ૭ વાગ્યાની જંગ : ચોથા સ્થાને શ્રેયસ કે રીષભ બેટીંગ કરશે ? બોલીંગમાં ફેરફારની શકયતા

પોર્ટ ઓફ સ્પેનઃ વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩-૦થી માત આપી ત્રણ ટીર૦ મેચોની સિરીઝ પોતાના નામે કરવામાં ભારતની ટીમ સફળ રહી હતી. ફરી એક વાર વેસ્ટ ઇન્ડીઝની ટીમને ત્રણ વન-ડે મેચોની સિરીઝમાં હરાવવાની ભારત પાસે સુવર્ણ તક છે. આજે કિવન્સ પાર્ક ઓવલમાં બંન્ને ટીમો વચ્ચેની છેલ્લી વન-ડે મેચ રમાશે જેમાં ટીમ ઇન્ડિયાના વિજયરથને અટકાવવાનો વેસ્ટ ઇન્ડીઝની ટીમ મરણિયો પ્રયાસ કરશે. પહેલી વન-ડે મેચ વરસાદને કારણે ધોવાઇ ગયા બાદ બીજી વન-ડે મેચ ભારતે ડીઆરએસ મેથડ વડે પ૯ રનથી જીતી હતી. આજની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનીંગ બેટસમેન શિખર ધવન પર સૌની નજર રહેશે. કેમકે બીજી મેચમાં તે માત્ર બે રન કરી પેવિલિયન ભેગો થઇ ગયો હતો અને જોઇતું પર્ફોર્મ કરી શકયો નહોતો. સાંજે ૭ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

સામાપક્ષે આ મેચ વેસ્ટ ઇન્ડીઝના યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલની છેલ્લી વન-ડે મેચ છે. વર્લ્ડ કપ દરમિયાન તેણે જણાવ્યું હતું કે ભારત સામેની સિરીઝ તેની છેલ્લી સિરીઝ હશે. ગઇ મેચમાં બ્રાયન લારાનો વેસ્ટ ઇન્ડીઝની ટીમ વતી સૌથી વધારે મેચ રમવાનો અને ટીમ વતી સૌથી વધારે રન કરવાનો એમ બેવડો રકોર્ડ તોડનારા ગેઇલને તેના સાથી પ્લેયરો જીત સાથે વિદાય આપવા ચોકકસ પ્રયાસ કરશે.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયા આજે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોઇ ફેરફાર કરે છે કે નહીં અને ચોથા ક્રમે શ્રેયસ અય્યર અને રિષભ પંતમાંથી કોને મોકલવો એ પ્રશ્ન હજી પણ ઇન્ડીયન ટીમ માટે માથાનો દુખાવો છે. પંત તેના સ્વભાવ અને ગુસ્સાને કારણે જલદી વિકેટ ખોઇ બેસે છે અને ચાર નંબરની પોઝીશન ખૂબ જ મહત્વની છે.

શ્રેયસે ૭૧ રન કરીને આ નંબર માટે પોતાની દાવેદારીને મજબૂત કરી દીધી છે. સુનીલ ગાવસકરે પણ શ્રેયસને નંબર ચાર પર અને પંતને પાંચ નંબર પર મોકલવાનું કહૃયુ હતું. આ વન-ડે બાદ રર ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ-સિરીઝ શરૂ કરવામાં આવશે.

(3:35 pm IST)