ખેલ-જગત
News of Thursday, 14th June 2018

શિખર ધવને ૯૧ બોલમાં ૧૦૪ રન ફટકાર્યાઃ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસે સદી બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેનઃ અફઘાનિસ્‍તાનના બોલર્સને ધૂળ ચાંટતા કરી દીધા

મુંબઇઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે.

બેંગલુરુમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શિખર ધવને અફઘાનિસ્તાનના બોલર્સને ધૂળ ચટાડી છે. લંચ પહેલા જ શિખર ધવને સદી ફટકારી છે.

શિખર ધવને પહેલા સેશનમાં 91 બોલમાં 104 રન ફટકાર્યા છે. ધવને આ ઈનિંગમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા છે. સાથે જ ધવન લંચ પહેલા કોઈ ટેસ્ટની શરૂઆતના જ દિવસે સદી ફટકારનાર પહેલા ભારતીય અને વિશ્વના છઠ્ઠા બેટ્સમેન બન્યા છે.

લંચ પહેલા સદી ફટકારનાર બેટ્સમેન:

વી. ટ્રમ્પર- 1902માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં

સી મર્કાટની- 1921માં ઈંગ્લેન્ડ સામે

ડૉન બ્રેડમેન- 1930માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં

માજીદ ખાન- 1976માં ન્યૂઝીલેંડ સામે

ડેવિડ વોર્નર- 2017માં પાકિસ્તાન સામે

શિખર ધવન- 2018માં અફઘાનિસ્તાન સામે

લંચ પહેલા સૌથી વધારે રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પૂર્વ બેટ્સમેન વીરેંદ્ર સહવાગના નામે હતો. સહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેંટ લુસિયામાં 99 રન બનાવ્યા હતા. આ ત્રીજી વખત શિખર ધવને એક સેશનમાં 100થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા ડૉન બ્રેડમેન, વિક્ટર ટ્રંપર અને વેલી હેમંડ 6 વાર આ રીતે રન કરી ચૂક્યા છે. લંચ પહેલા શિખરે 104 બનાવ્યા, જે ટેસ્ટ મેચના કોઈપણ દિવસે એક ભારતીય બેટ્સમેને બનાવેલો બીજો સૌથી સારો સ્કોર છે.

(6:20 pm IST)