સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય
દિલ્હી: જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટ પર શરૃ થયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં ટોપ સીડ ધરાવતા સ્વિસ લેજન્ડ ફેડરરે વિજયી પ્રારંભ કર્યો હતો. ફેડરરે લાંબા બ્રેક બાદ વિજયી પુનરાગમન કરતાં ૩-૬, ૬-૪, ૬-૨થી જર્મનીના મિશા ઝ્વેરેવને હરાવ્યો હતો. જ્યારે ભારતના યુવા ખેલાડી ગુનેસ્વરને કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા કેનેડાના આશાસ્પદ ખેલાડી શાપોવાલોવને ત્રણ સેટના સંઘર્ષમાં ૭-૬ (૮-૬), ૨-૬, ૬-૩થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ગુનેસ્વરન બિનક્રમાંકિત ખેલાડી તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યો છે, જ્યારે શાપોવાલોવ છઠ્ઠો સીડ ધરાવતો હતો. બીજો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલીએ જર્મનીના મોલેકેરને ૬-૩, ૬-૪થી પરાસ્ત કર્યો હતો. જ્યારે સાતમો સીડ ધરાવતા રાઓનિકે બોસ્નીયાના બ્લાસીચને ૭-૬ (૧૦-૬), ૬-૨ના સંઘર્ષ બાદ હરાવ્યો હતો.